Tapi News: તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓનો એક અનોખો શૈક્ષણિક પ્રવાસ

જેના ભાગરૂપે તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના 28 તેજસ્વી તારલાઓને 10મી ઑગસ્ટ 2025ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ લઈ જવામાં આવશે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 08 Aug 2025 11:07 PM (IST)Updated: Fri 08 Aug 2025 11:07 PM (IST)
a-unique-educational-journey-of-28-tribal-students-from-tapi-district-581838

Tapi News: તા. 8 ઓગસ્ટ આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ - તાપી કે તારે' અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના 28 તેજસ્વી તારલાઓને 10મી ઑગસ્ટ 2025ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે.

  1. પ્રવાસનો હેતુ
    આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે સીધો અનુભવ અપાવવાનો છે. જેથી તેઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ વિકસે, રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થાય અને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા મળે.
  2. પસંદગી પ્રકિયા
    ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ 15 શાળાઓના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ધોરણ 9 અને 10ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તક માંથી 100 ગુણની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કુલ 50 પ્રશ્નો સામેલ હતા. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બન્યુ હતુ. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી મળી — જે તેમને સીધા અવકાશ વિજ્ઞાનની દુનિયાના અનુભવ માટે યાદગાર બની રહેશે.
  3. આરોગ્ય સંભાળ માટે સ્ટાફ નર્સ પણ પ્રવાસમાં સામેલ
    વિદ્યાર્થીઓના આરોગ્યની સંભાળ અને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવાની જવાબદારી માટે ઇન્દુ નર્સિંગ કોલેજના સ્ટાફ નર્સ હિરલ ગામીત ઇસરો એક્સપોઝર વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે આરોગ્યલક્ષી અને ઇમરજન્સી સેવા માટે સતત સાથે રહેશે.