Valsad News: દાદરાનગર હવેલીના સેલવાસમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાના બે બાળકોને ઝેર આપી દીધા બાદ પોતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૃતક મૂળ મહારાષ્ટ્રના રહેવાસી હતા અને તેમની ઉંમર આશરે 56 વર્ષ હતી. તેમના બંને બાળકો શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ હતા. છેલ્લા કેટલાક સમયથી મૃતકની પત્ની તેમને છોડીને જતી રહી હતી, જેના કારણે તેઓ ગંભીર તણાવમાં હતા. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક વિવાદ અને આર્થિક સંકડામણ જેવા કારણો પણ સામે આવ્યા છે, જે આ કરુણ પગલા પાછળ જવાબદાર હોઈ શકે છે.
આ ઘટના સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં બની હતી. પડોશીઓને આ ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વલસાડ જિલ્લાને અડીને આવેલા આ સંઘ પ્રદેશના લોકોને હચમચાવી નાખ્યા છે.