Valsad News: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાએ વલસાડ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન પ્રથમ દિવસે વલસાડ તાલુકાના નાની દાંતી- મોટી દાંતી ગામે દરિયાઈ ધોવાણ અંગે ચાલી રહેલા કામોની મુલાકાત લીધી હતી.
દરિયાની ભરતીના સ્તરમાં વધારો થવાને કારણે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વલસાડ તાલુકાના નાની દાંતી- મોટી દાંતી ગામમાં સમુદ્રની ભરતીના કારણે દરિયા કાંઠાના કિનારાનું વ્યાપક ધોવાણ થઇ રહ્યું છે. જેથી ગ્રામજનો તથા તત્કાલિન ધારાસભ્ય તથા સંસદસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆત અન્વયે આ ગામના દરિયા કાંઠા વિસ્તારમાં દરિયાઈ ભરતીથી થતું નુકશાન અટકાવવા 1490 મીટર લંબાઇમાં સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરીની મંજુરી મળી હતી. જે માટે રૂ. 38,50,29,227.34 મંજૂર થયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં રૂ. 17,24,26,489.31ના ખર્ચે થયેલી કામગીરીનું મંત્રી કુંવરજી બાવળીયાએ નિરિક્ષણ કર્યુ હતું.
મંત્રીએ ડિઝાઇન મુજબ જીઓફેબ્રીક લેયર પાથરી નાયલોન/ ગુણી બેગ પાથરવાની કામગીરી, કોર લેયરમાં 20 થી 40 કી.ગ્રા. વજનના પથ્થર, સેકન્ડરી લેયર અને ટો માં 0.90 મીટર જાડાઇમાં 200 થી 300 કી.ગ્રા. વજનના પથ્થરો કોર લેયર ઉપર પાથરવાની કામગીરી, આર્મર લેયરમાં 3000 થી 3500 કી.ગ્રા. વજનના 2.15 મીટર જાડાઇમાં અને બર્મના ભાગમાં 1000 થી 1500 કી.ગ્રા વજનના 1.60 મીટર જાડાઇમાં પથ્થરો સેકન્ડરી લેયર ઉપર પાથરવાની કામગીરી અને વોલના ઉપરના ભાગમાં 4.00 મીટર પહોળો આર.સી.સી. રસ્તો અને 0.50x0.50 મી ની પ્રોટેક્શન દિવાલ બનાવવાની કામગીરીનું નિરિક્ષણ કરી બાકી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

વલસાડ જિલ્લાના દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેર હિમાંશુ પટેલે જણાવ્યું કે, દરિયા કિનારાની સંરક્ષણ દિવાલ બનવાથી નાની દાંતી-મોટી દાંતી ગામે દરીયા કિનારાનું ખુબ જ મોટા પ્રમાણમાં થતું ધોવાણ અટકશે, પરીણામે દરિયા કિનારા પાસે વસવાટ કરતાં લોકો, મકાનો, કિંમતી બાંધકામો, અને સંપત્તિને થતું નુકસાન મહદંશે અટકાવી શકાશે. આ સંરક્ષણ દિવાલ બનવાથી દરિયાનું ખારું પાણીને સીધું ગામમાં પ્રવેશ કરતું અટકાવી શકાશે અને માછીમારોની હંગામી ઝુંપડીઓને દરિયાઇ ભરતીથી થતા નુકસાન સામે રક્ષણ આપી શકાશે.
જેના લીધે દરિયાઈ ભરતીના કારણે માછીમારોના ઝુપડાઓ તેમજ બંદર વિસ્તારની બહુમુલ્ય જમીનનુ થતું ધોવાણ અટકાવી શકાશે. ખેતીલાયક જમીન, મકાનો, ઢોરઢાંખર, જાહેર મિલકતો, રસ્તાઓ અને મૂલ્યવાન જમીનનું રક્ષણ કરવામાં આવશે. આ સંરક્ષણ કાર્ય દ્વારા માછલી પકડવાની પ્રવૃત્તિઓ માટે સમુદ્રમાં પહોંચવાની સુવિધા પણ મળી શકે છે. આમ, નાની દાંતી-મોટી દાંતી ગામે 1490 મી. લંબાઇની પ્રોટેક્શન વોલ બનાવવાથી અંદાજે 150 હેક્ટર જમીન, 890 જેટલા ઘરોમાં વસતા અંદાજીત 13,000ની વસ્તીને દરિયાઇ ભરતીથી થતા નુકસાન સામે રક્ષણ મળશે.
મંત્રીની આ મુલાકાત વેળા વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભુરા શાહ, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, દમણગંગા વર્તુળના અધિક્ષક ઈજનેર પી.જી.વસાવા અને દમણગંગા નહેર વિશાખા વિભાગ નં. 3 (બલીઠા)ના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર પી.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ મંત્રીએ ઉમરગામના નારગોલ ખાતે પ્રોવાઈડીંગ કોસ્ટલ પ્રોટેક્શન વોલ પ્રોટેકશનની કામગીરીની મુલાકાત લીધી હતી. જે કામ માટે રૂ. 2 કરોડ 98 લાખ મંજૂર થયા હતા જેમાંથી રૂ. 2 કરોડ 92 લાખનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. જેમાં ડિઝાઈન મુજબ જીઓફેબ્રીક લેયર પાથરી નાયલોન ગુણી બેગ પાથરવાની કામગીરી, કોર લેયરમાં પથ્થર, સેકન્ડરી લેયર અને ટો માં પથ્થર પાથરવાની કામગીરી અને આર્મર લેયરની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું.
નારગોલ ગામે 540 મી.ની લંબાઈમાં પ્રોટેક્શન વોલ બનાવવાથી 15 હેકટર જમીન, 1000 થી 1500 માનવ વસ્તી અને 200 થી 250 જેટલા ઘરોને દરિયાઈ ભરતીથી થતા નુકસાન સામે રક્ષણ મળશે. મંત્રીની નારગોલ મુલાકાત વેળા ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.