Valsad News: રાજ્યના ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને ધરમપુર નગર રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે રોજગારવાચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો મળી રહે તેમજ નોકરીદાતાઓને તેમની માંગણી મુજબનું માનવબળ રહે તેવા શુભ આશયથી વલસાડની કસ્તુરબા હોસ્પિટલ પાસે રાજપુત સમાજના હોલમાં રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોજગાર મેળાને સંબોધન કરી મંત્રી બલવંતસિંહ રાજપુતે યુવાઓને સંબોધી જણાવ્યું કે, રોજગાર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસ મોડલ દરેક ઉભરી રહ્યું છે. દેશની મોટા ગજાની 500 ફેકટરીઓમાંથી 100 ફેકટરીઓ ગુજરાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ઉદ્યોગો સ્થપાય અને યુવાધનને રોજગારી મળે તે માટે વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. આ સિવાય વૈશ્વિક સ્તરે ગ્લોબલ સમિટ પણ થઈ રહી છે. યુવાધનને સ્કીલ બેઝ તાલીમ મળે રહે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ઉદ્યોગો માટે સારામાં સારી પોલીસી આવી રહી છે. વિદ્યાર્થીઓ સ્કીલ કેળવીને પોતાના નાના મોટા સ્ટાર્ટઅપ શરૂ કરી પોતે આત્મનિર્ભર બને સાથે અન્યને પણ રોજગાર આપી શકે તેમ છે. જાપાન અને યુરોપ કન્ટ્રીઓ સ્કીલ બેઝ સ્ટડી કરાવી રહી છે.
આ સંદર્ભે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજય છે કે જે, સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરી રહી છે. જેનાથી જે લોકોને જે પ્રમાણે રોજગારી જોઈએ તે પ્રમાણેની સ્કિલ મળી રહેશે. આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આપણા યુવાનો જાપાનીઝ સહિતની ફોરેન લેંગવેજ શીખે તે માટે પણ રાજ્ય સરકાર સક્રિય રીતે આગળ વધી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આજે યુવાનો માટે પ્લેટફોર્મ તૈયાર છે. છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રોજગારનું પ્રમાણ વધ્યુ છે. આજે હું ગર્વ સાથે કહુ છું કે, સમગ્ર દેશના જીડીપીના ગ્રોથમાં ગુજરાતનું યોગદાન 8.3 ટકા છે. સમગ્ર દેશમાં 33 ટકાથી પણ વધુ નિકાસ ગુજરાતથી થઈ રહી છે. નિકાસ માટે 18 ટકા ફેકટરી ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે.
જેના પગલે બેકારી દર પણ ઘટી રહ્યો છે. આજે કલ્પના ન થઈ શકે તેવુ વાતાવરણ યુવાધન માટે ગુજરાતમાં પેદા થયુ છે. સમગ્ર દેશમાં ગુજરાત રોજગાર ક્ષેત્રે પ્રથમ ક્રમે રહ્યુ છે. રાજ્ય સરકારે આ ભરતી મેળામાં નોકરી દાતા અને નોકરી વાંચ્છુ ઉમેદવારોનું લિસ્ટ બનાવી દરેક લોકોને રોજગાર મળી રહે તે માટે પ્રયાસ કર્યા છે. પહેલા આઈટીઆઈમાં ચાર ટ્રેડ ચાલતા હતા ત્યારબાદ 54 ટ્રેડ ચાલુ થયા અને આજે 150થી વધુ ટ્રેડ ચાલી રહ્યા છે. કોઈપણ યુવાધન પાછળ ન રહી જાય તેની ચિંતા રાજય સરકારે કરી છે.દીર્ઘદ્રષ્ટી ધરાવતા આપણા વડાપ્રધાનશ્રીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડમેપ તૈયાર કર્યો છે. વધુમાં તેમણે દીકરીઓને ડ્રોન શિક્ષણ મેળવવા પર ભાર મુકયો હતો. આગામી સમય આપણો આવવાનો છે. આપણે આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વલસાડ-ડાંગના સાંસદ અને વલસાડ-ધરમપુર વિધાનસભાના ધારાસભ્યોશ્રીઓએ વલસાડ જિલ્લાના યુવાવર્ગને બદલાયેલા સમય મુજબ રોજગારી મળે રહે તે માટે નવા કોર્સ શરૂ કરવા ભલામણ કરી હતી જે અનુસંધાને આગામી સમયથી વલસાડ જિલ્લામાં એઆઈ, ડ્રોન, ડેટા એનાલિસીસ, સોલાર, ઈ-વ્હીલક અને રોબોટ સહિતના કુલ નવા 12 કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે. 21મી સદીમાં વલસાડનું યુવાધન ડિજિટલ યુગ સાથે તાલ મેળવશે એવા પ્રયાસ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થઈ રહ્યા છે. વધુમાં તેમણે યુવાનોને ૨૧મી સદીમાં આત્મનિર્ભર બનવા અને વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરવા ભાગીદાર બનવા આહવાન કર્યુ હતું.
આ રોજગાર મેળામાં કુલ 30 જેટલી કંપનીઓમાં ખાલી 2000 જેટલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાયો હતો. જે માટે 800 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેઓના ઈન્ટર્વ્યુ લઈ નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.