Ganesh Chaturthi 2025 Valsad: વલસાડમાં ગણેશોત્સવનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ન્યુ શાકભાજી માર્કેટના ગણેશ મિત્ર મંડળમાં આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન થયું છે. આ મંડળ દર વર્ષે અનોખી થીમ સાથે ગણેશજીની સ્થાપના કરે છે, અને આ વખતે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીજીની પ્રતિમા માતાજી સાથે વલસાડના સ્ટેડિયમ રોડ પર આવી પહોંચી હતી, જ્યાં મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું.
સ્ટેડિયમ રોડથી લઈને આઝાદ ચોક સુધી શ્રીજીની પ્રતિમાને ભવ્ય શોભાયાત્રા સાથે લઈ જવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન મંડળના સભ્યો અને ભક્તોએ જય ઘોષ સાથે વાતાવરણને ગુંજાવી દીધું હતું. રાત્રિના સમયે આઝાદ ચોક ખાતે ગણેશજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને આસ્થાભેર આરતીનો લાભ લીધો હતો.
મંડળ દ્વારા આગામી 10 દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવના આ પવિત્ર દિવસો દરમિયાન ભક્તો ભજન-કિર્તન, આરતી અને અન્ય મનોરંજન કાર્યક્રમોનો આનંદ માણી શકશે. આયોજકોએ જણાવ્યું કે આ કાર્યક્રમો દ્વારા સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળશે અને સમાજમાં એકતાનો સંદેશ ફેલાશે.