Valsad News: વલસાડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની વલસાડ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીએ તિરંગો ફરકાવી માનભેર તિરંગાને સલામી આપી હતી. મંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. મંત્રીના હસ્તે વલસાડ વિકાસ વાટિકા – વર્ષ -2024-25નું વિમોચન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના 146 કરોડ દેશવાસીઓને વલસાડની પવિત્ર ધરતી ઉપરથી 79મા સ્વતંત્રતા દિનની સાથે સાથે પતેતીનો તહેવાર પણ હોવાથી પારસી ભાઈઓ - બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ પારસીઓના આગમનની ઐતિહાસિક ભૂમિ, પૂર્વ વડાપ્રધાન મોરરાજીભાઈ દેસાઈની જન્મભૂમિ અને દરિયા તથા પર્વતોના સાનિધ્યમાં રહેલા આ જીલ્લાની ભૂમિ ઉપરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શત-શત નમન કરતા જણાવ્યું હતું કે, મહામૂલ્ય આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે, તેનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકો અને દેશવાસીઓની ફરજ છે. શિવાજી મહારાજના પરાક્રમના સાક્ષી એવા પારનેરા પર્વત ઉપરના માં ચંદ્રિકા, કાલિકા અને પવિત્ર અગ્નિ તથા ભગવાન દતાત્રેય મંદિરોની આ પવિત્ર ભૂમિ ઉપરથી આઝાદીની લડાઈમાં અને ત્યારબાદના યુદ્ધોમાં પ્રાણ ગુમાવનાર શહીદ સૈનિકો અને પોલીસ જવાનોના પરિવાર જનો માટે પ્રાર્થના કરું છું. ભારતભૂમિની પોતાની તાકાત છે અને ક્યારેય પણ કોઈનું કાયમી આધિપત્ય સ્વીકાર્યુ નથી. લાખો લોકો આઝાદીના સંગ્રામમાં જોડાયા અને તેમની લડતથી આપણને આઝાદી મળી છે.

મંત્રીએ દેશના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ 2014થી કેન્દ્ર સરકારે દેશમાં સામાજીક, આર્થિક, માળખાકીય, નીતિગત સુધારાઓ દ્વારા નયા ભારતના નિર્માણની નવી યાત્રા શરૂ કરી. ભારત વિશ્વની ચોથી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની છે. ખેડૂતની આવક વધી, ઉપજની સારી કિંમત મળી, વેલ્યુ એડીશન, માળખાકીય સુવિધાઓ દ્વારા એક સમયે ખાદ્યચીજોની આયાત કરતો ભારત ફૂડ માટે સરપ્લસ દેશ બની ગયો છે. પ્રાકૃતિક ખેતી અને ગાય આધારીત કૃષિ દ્વારા પોષણ અને ધરતીમાતાની સંભાળ રાખી શકાય છે. આઈ.આઈ.ટી, આઈ.આઈ.એમ, એઈમ્સ, રીસર્ચ સંસ્થાઓ, યુનિર્વસિટીઓ, કોલેજો અને આઈટીઆઈ દ્વારા ભારતનો યુવા સ્કીલબદ્ધ થઈ રહ્યો છે. વોકલ ફોર લોકલ દ્વારા ભારતે ઉત્પાદનમાં મજબૂત પગલાં ભર્યા છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બિન-અસરકારક કાયદાઓની નાબૂદી જેવા ઐતિહાસિક પગલાંઓથી દેશને નવી ઊર્જા મળી છે. રક્ષા ક્ષેત્રમાં ઉત્પાદન, બજેટ વધવાથી આંતરીક અને બાહ્ય સુરક્ષા મજબૂત બની છે. "ઓપરેશન સિંદૂર” ની સફળતા વિશ્વ સમક્ષ એક પુરાવો છે. ગરીબ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગો માટે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ દ્વારા સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.

ગુજરાતની વિકાસગાથા જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ મક્કમગતિથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર તમામ ક્ષેત્રે અને તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવીને સુવિધા અને યોજનાઓનો લાભ મળે તે માટે કટિબદ્ધ છે. આજે ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વાઈબ્રન્ટ ગુજરાતથી વધુ મૂડીરોકાણ અને અનેકગણી રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગિફ્ટ સિટી ખાતે એ.આઈ. સેન્ટર ફોર એકરોલેન્સ આકાર લઈ રહ્યાં છે, જે નવા ગુજરાતની ગતિ દર્શાવે છે. ગુજરાતના નાગરિકની માથાદીઠ આવક વધીને રૂ બે લાખથી થઈ છે. ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરીંગ હબ, ઈકોનોમિક પાવરહાઉસ તથા વિકાસનું રોલમોડેલ બન્યું છે. ઉદ્યોગની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ ગુજરાતમાં વધી છે.
મંત્રીએ તાજેતરમાં થયેલાં પ્લેનક્રેશમાં મૃત્યું પામનારા સર્વેને શ્રદ્ધાંજલિ આપી તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સાથેની યાદોને વાગોળતાં જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્ય સરકાર બંધારણના પંચોતેરમાં વર્ષ, સરદાર પટેલની 150મી અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ તેમજ અટલબિહારી વાજપાઈની 100મી જન્મ જયંતિની ઉજવણી કરી રહી છે. સુરત ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લઓને ઘણો લાભ થશે. રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને “નમો સરસ્વતી" યોજના દ્વારા દીકરીઓના શિક્ષણ અને રોજગારીમાં નારીશક્તિની વધુ ભાગીદારી નિયત કરી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા ચકાસાય છે. વર્ષ 2010થી ખેલ મહાકુંભના આયોજન અને 2036માં ઓલિમ્પિક યોજવાની તૈયારીઓથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. નવી ૯ મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચ, સુવિધા અને ગુણવત્તા યુક્ત જીવન પ્રાપ્ત થશે. ગત વર્ષે ૮ કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી તે ગુજરાત માટે ગૌરવની બાબત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં ઉત્તમ છે અને ગુનેગારો ઉપર ઝડપથી પગલાં ભરાઈ રહ્યા છે.
વલસાડ જિલ્લાની સિદ્ધિઓ દર્શાવતા વિકાસના કામોમાં વલસાડ દેશમાં પાંચમા સ્થાને છે તેમ જણાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે, પી.એમ. આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, વન અધિકાર ધારા હેઠળ જમીન ફાળવણીની કામગીરી ચેકડેમ દ્વારા સિંચાઈની કામગીરીમાં વલસાડ જિલ્લાની કામગીરી ઉત્તમ રહી છે. શિક્ષણક્ષેત્રે પણ અનેક સારા કામો થયા છે. વલસાડને હાલ અનેક ગણા મોટા પ્રોજેક્ટોને મંજૂરી મળી છે, તે ઝડપથી પૂર્ણ કરવા અને સરકારી યોજનાઓના અમલ બાબતે વલસાડ વહીવટી તંત્ર સારી કામગીરી કરે તેવી અપેક્ષા છે.
તમામ પ્રકારના ભેદભાવોને ભૂલીને "એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના વિચારથી "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” ની સંકલ્પને આપણે સૌએ મળીને સાકાર કરીએ અને ભારતને વિશ્વબંધુની ભૂમિકામાં લાવવા કટિબદ્ધ બનીએ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ "ટીમ ગુજરાત” તૈયાર છે અને “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ" થી આપણે વિકસિત અને આત્મનિર્ભર ગુજરાત બનાવીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી સરકારના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા જોઈએ. "વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત" બનાવવા આઝાદીના આ અમૃત કાળમાં આપણે સૌ સાથે મળીને "વિકસિત અને આત્મનિર્ભર ગુજરાત" બનાવવા કટિબદ્ધ બનવાની અભિલાષા વ્યક્ત કરી મંત્રીશ્રીએ પંચ પ્રતિજ્ઞાને દોહરાવી હતી.
15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મંત્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ભવ્ય વર્માને અર્પણ કરવામાં આવ્યો હતો. મંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર, અંગદાતા પરિવારના સભ્યો, ગુડ સિમરીટન એવોર્ડ યોજનાના ‘હાલ રાહ વીર એવોર્ડ’, રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, પોલીસ વિભાગ, આઈસીડીસ વિભાગ, નગરપાલિકા અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ જેવા ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર કુલ 13 પ્રતિભાઓનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મંત્રીએ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કર્યું હતું.