Vadodara: વડોદરા એરપોર્ટ પર આજે સવારે દિલ્હી જતી ફ્લાઈટમાં મુસાફરી કરવા પહોંચેલા વિદેશી નાગરિકની બેગમાંથી બંદૂકની ગોળીના બે ખાલી ખોખા મળી આવ્યા હતા. એરપોર્ટની સુરક્ષામાં તૈનાત CISF જવાનોને સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુ દેખાતા બેગની તપાસ હાથ ધરતાં આ ખાલી કેસ મળી આવ્યા હતા. આથી તાત્કાલિક હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી અને વિદેશી નાગરિકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
હરણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર શંકર વસાવાએ જણાવ્યું કે, UKના નાગરિક 48 વર્ષીય સાયમન જેફરી હેરિસ દિલ્હી જવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. બેગમાંથી ખાલી કેસ મળ્યા બાદ તેમને પોલીસે કસ્ટડીમાં લઈ પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચો
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સાયમન એન્જિનિયર છે અને ગત 9 સપ્ટેમ્બરે વડોદરાના રનોલી ખાતે આવેલી ગૃનેર રીન્યુએબલ એન્જિનિયરિંગ પ્રા. લી. કંપનીમાં કામ માટે આવ્યા હતા. ખાલી કેસ અંગે પૂછતાં તેમણે અજાણતા દર્શાવી હતી અને આ ખોખા તેમની બેગમાં કેવી રીતે આવ્યા તે અંગે અજાણ હોવાની વાત કરી હતી.
મામલો ગંભીર જણાતા કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ પણ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ બેગમાંથી મળેલા ખાલી ખોખા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં પોલીસ તથા એજન્સીઓએ તપાસ ચાલુ રાખી છે, પરંતુ આ ખાલી કેસ વિદેશી નાગરિકની બેગમાં આવ્યા ક્યાંથી તે હજી પણ રહસ્યમય બની રહ્યું છે.