Vadodara News: વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કડક કાયદો અમલમાં આવવાનો છે. તે પહેલાં જ વિરોધના સ્વરો ઉઠવા લાગ્યા છે. વડોદરામાં આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો. શહેરના સયાજીપુરા વિસ્તારમાં સામાજિક કાર્યકરોએ રસ્તાની વચ્ચે હેલ્મેટ મૂકી તેની પૂજા કરી અને કાયદો લાગુ કરતાં પહેલા રસ્તાઓ સુધારવાની માગણી કરી છે.
વિરોધકર્તાઓએ જણાવ્યું કે, લોકોના જીવનને સલામત રાખવા હેલ્મેટનો કાયદો જરૂરી છે, પરંતુ તંત્રે પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ. ખરાબ રસ્તાઓને કારણે દૈનિક હજારો વાહન ચાલકો અકસ્માતના ભય સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને સયાજીપુરાથી માધવનગર સુધીનો ત્રણ કિલોમીટરનો માર્ગ તાજેતરમાં બોક્સ કટીંગ કરી નવેસરથી બનાવાયો હતો, પરંતુ માત્ર ત્રણ મહિના જ થતા ચોમાસામાં રસ્તો ફરી ખરાબ હાલતમાં પહોંચી ગયો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આરએન્ડબી વિભાગ દ્વારા માર્ગની ગુણવત્તા જાળવવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. ડામર અને અન્ય સામગ્રીની યોગ્ય ગુણવત્તા ઉપયોગમાં લેવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. વિસ્તારમાં અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે, છતાં માર્ગોની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
સામાજિક કાર્યકર કમલેશ પરમારે ચેતવણી આપી છે કે જો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે માર્ગ નહીં બનાવવામાં આવે તો વિજિલન્સ તપાસની માગણી કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો કે, હેલ્મેટનો કાયદો લાદવા પહેલાં નાગરિકોને સુરક્ષિત અને સારા રસ્તાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે.