Vadodara: વડોદરા-હાલોલ રોડ પર આવેલા ભાવપુરા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દંપતિ ખંડિત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુરપાટ આવતી કારે મોપેડને ઉલાળતા ફંગોળાઈને નીચે પટકાયેલા પતિનું મોત નીપજ્યું છે, જ્યારે પત્ની સહિત બે લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયા તાલુકાના ભાવપુરા ગામે રહેતા ચેતન ગોહિલ (28) પોતાની પત્ની તન્વી અને પાડોશી યુવતી શીતલ પઢીયારને લઈને જમવા માટે ગોલ્ડન ચોકડી નજીકની સંગમ હોટલમાં ગયા હતા.
આ પણ વાંચો
જ્યાંથી જમીને ત્રણેય જણા મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યા હતા. જેવું તેમનું મોપેડ ભાવપુરા પાટિયા નજીક પહોંચ્યુ, ત્યારે સામેથી પુરપાટ આવતી કારે મોપેડને ઠોકરે ચડાવી રોડ પર ઢસડ્યું હતુ. જે બાદ કાર ડિવાઈડર પર ચઢીને અટકી ગઈ હતી.
આ અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં જરોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે ચેતન ગોહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જ્યારે બન્ને યુવતીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તો પોલીસે તન્વી ગોહિલની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.