Vadodara News: વડોદરાના ચકચારી દીપેન પટેલ હત્યા કેસનો આરોપી કોર્ટ પરિસરની કેન્ટીનમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તે સુરતમાં હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાના ચકચારી દીપેન પટેલ હત્યા કેસમાં સજા ભોગવી રહેલો આરોપી હાર્દિક પ્રજાપતિ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા હાર્દિકને 10 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી માટે પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસે તેને કોર્ટ પરિસરની કેન્ટીનમાં લઈ ગયા હતા. તે દરમિયાન પોલીસ કર્મચારી રૂપિયા ચૂકવતા હતા ત્યારે હાર્દિકે તકનો લાભ લઈ નજર ચૂકવી કેન્ટીનમાંથી બહાર નીકળી ગયો અને કોર્ટના પાછળના દરવાજાથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાને પગલે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે હાર્દિક પ્રજાપતિ સુરત રેલવે સ્ટેશન પર હાજર છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સુરત પહોંચી ગઈ હતી અને ફરાર આરોપીને ઝડપી લીધો હતો.
વડોદરા શહેર નજીકના દરજીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હાર્દિક પ્રજાપતિએ પ્રેમ સંબંધમાં અવરોધ બનનાર દીપેન પટેલની હત્યા કરી હતી. આ કેસમાં તે અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો અને બાદમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો.
કોર્ટમાંથી ભાગી છૂટવાના બનાવ બાદ પોલીસે આરોપીને સહાય કરનારાઓ અંગે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને હાર્દિકને ભાગવામાં કોઈએ આર્થિક કે નાણાકીય મદદ કરી છે કે કેમ તે ખંગાળવામાં આવી રહ્યું છે. જો તેમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.