Yusuf Pathan:ટીએમસી સાંસદ યુસુફ પઠાણને ઝટકો, વીએમસીના પ્લોટ પર કરેલા દબાણ પર ફરશે વડોદરા મનપાનું બુલ્ડોઝર

હાઇકોર્ટમાં યુસુફ પઠાણ દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા આ પ્લોટનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 11 Sep 2025 11:54 AM (IST)Updated: Thu 11 Sep 2025 12:09 PM (IST)
gujarat-high-court-rejects-yusuf-pathans-plea-against-vadodara-municipal-notice-601231

Yusuf Pathan Vadodara House: તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીએમસીના પ્લોટનો મંજૂરી વગર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જમીન વિવાદને લઇને તેણે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને જમીન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેના પગલે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ દબાણ પર બુલ્ડોઝર ફેરવવામાં આવશે.

પ્લોટ ફાળવવા કોર્પોરેશન પાસે મંજૂરી માગી હતી

મળતી વિગોત અનુસાર, યુસુફ પઠાણ દ્વારા વીએમસીનો પ્લોટ તેને ફાળવવામાં આવે એ માટેની મહાનગરપાલિકા સમક્ષ માગ કરી હતી. જેથી એ સમયે તત્કાલિન મનપા કમિશનર દ્વારા યુસુફ પઠાણીના માગણીનો સ્વીકાર કરી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ દરખાસ્તને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી અને મંજૂરી માગવમાં આવી હતી. જોકે જૂન 2014માં શહેરી વિકાસ અને શહેરી નિર્માણ ગૃહ વિભાગ દ્વારા તત્કાલિન મનપા કમિશનરને જાણ કરી હતી કે દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે.

મંજૂરી ન મળી હોવા છતાં પ્લોટનો ઉપયોગ કર્યો

દરખાસ્ત નામંજૂર કરવામાં આવ્યા બાદ પણ યુસુફ પઠાણ દ્વારા આ પ્લોટમાં ગાર્ડન અને તબેલો બનાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. ગયા વર્ષે મનપા દ્વાર યુસુફ પઠાણને આ દબાણ દૂર કરી પ્લોટ ખાલી કરવા માટે નોટીસ ફટકારી હતી. જેની સામે હાઇકોર્ટમાં યુસુફ પઠાણ દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા આ પ્લોટનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની શહેરની મિલકત અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મદદનીશ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલાં ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમના નિવાસસ્થાન નજીક એક પ્લોટ ફાળવવા વિનંતી કરી હતી. આ સંદર્ભમાં, વડોદરા કોર્પોરેશને સરકાર પાસેથી પરવાનગી માંગી હતી પરંતુ અમને સરકાર પાસેથી પરવાનગી મળી ન હતી. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેનો ચુકાદો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં આવ્યો હતો.

12 વર્ષ સુધીના ભાડાની વસૂલાત કરવામાં આવે

તાંદલજા વિસ્તારમાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણ દ્વારા વીએમસીના પ્લોટ પર કરાયેલા દબાણને લઈને વિવાદ સર્જાયો છે. હવે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છેકે, છેલ્લા 12 વર્ષથી યુસુફ પઠાણ દ્વારા આ પ્લોટ પર દબાણ કર્યું છે. જેથી કોર્પોરેશન દ્વારા ભાડે પેટે નિયત કરાયેલા ભાડાની રકમ પ્રમાણે 12 વર્ષ સુધીના ભાડાની વસૂલાત કરવામાં આવે.