Surendranagar: સુરેન્દ્રનગર નજીક ટ્રેનમાં મુસાફરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના યુવાન પાસેથી ભિક્ષુકે રૂા.10 માંગતા, તેણે રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભિક્ષુકે યુવાનને ધક્કો મારી ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો વતની સુમિતકુમાર કનૈયા લાલ સકસેના (ઉ.વ.22)નામનો યુવાન તેના મિત્રો સાથે કામ સબબ ઉત્તર પ્રદેશથી બરેલી પોરબંદર એકસપ્રેસ ટ્રેનમાં બેસી પોરબંદર જતો હતો.
આ દરમિયાન ટ્રેન સુરેન્દ્રનગરથી રાજકોટ તરફ 4 કિલોમીટર પહોંચતા ટ્રેનના ડબ્બામાં ભિક્ષુક રૂપિયા માંગતો હતો. જેણે સુમિત પાસેથી 10 રૂપિયા માગતા, તેણે રૂપિયા આપવાની ના પાડી હતી. આથી ભુક્ષિકે ઝઘડો કરી ચાલુ ટ્રેનમાંથી સુમિતને ધક્કો મારી નીચે ફેંકી દીધો હતો. ચાલુ ટ્રેનમાંથી ફેકાઇ જતા સુમિતને માથાના ભાગે તથા શરીરે ગંભી ઇજા થતાં સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સુમિત બે ભાઇ બે બહેનમા મોટો અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. તે કામ સબબ મિત્રો સાથે પોરબંદર જઇ રહ્યો હતો, ત્યારે ચાલુ ટ્રેનમાં આ ઘટના બની હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી સુરેન્દ્રનગર રેલવે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.