Surat: સુરત શહેરના ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા 19 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત શહેર SOG પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીને કર્ણાટક ઉડુપ્પી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ આરોપી પર 45 હજાર રૂપિયાનું ઇનામ હતું અને સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ-16 આરોપીઓ પૈકીનો એક હતો.
સુરત શહેરના ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ખૂન અને લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી પર 45 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આરોપી રાજસ્થાનથી ભાગીને કર્ણાટક રાજ્યના ઉડુપ્પી શહેરમાં છૂટક મજુરી કામ કરતો હોવાની માહિતી સુરત શહેર એસઓજી પોલીસને મળી હતી.
આ પણ વાંચો
આથી સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા ટીમ બનાવીને આરોપીને પકડવા કર્ણાટક રાજ્યના ઉડુપ્પી શહેરમાં રવાના થઇ હતી. પોલીસની ટીમ સતત બે દિવસ સુધી આરોપીની વોચમાં હતી. આ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ ઉતર કન્નડમાં કોરાવર સમાજની છોકરી સાથે લગ્ન કરી પોતાનું નામ નિર્મલ કેસરીમલજી કોરાવર તરીકે બદલી ઉડીપ્પી દરિયા કિનારે મજૂરી કામ કરે છે.
જેથી સુરત શહેર એસઓજી પોલીસની ટીમ દ્વારા સ્થાનિક વેપારીનો વેશ ધારણ કરી દરિયા કિનારે જઈ તપાસ કરતા મજુરી કામ કરતો એક ઇસમ શંકાસ્પદ જણાતા તેના પર વોચ રાખવામાં આવી હતી અને ગુનામાં વોન્ટેડ આરોપી આ જ ઇસમ હોવાની પુષ્ટિ મળતા આરોપી નરેશ કેસરીમલજી રાવલ (40) ને ઝડપી પાડવામાં આવ્યો હતો
આરોપીને સુરત શહેર ખાતે લાવીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે વર્ષ 2007ની સાલમાં સુરત શહેર ખાતે રહેતો હતો અને અઠવાલાઈન્સ સ્થિત રહેતા ફરીયાદી અશોકભાઈ અમૃતલાલ સવાણીને ત્યાં ડ્રાઈવર તરીકે ચાર મહિના નોકરી કરી હતી. આ દરમ્યાન તેને જાણ થઇ હતી કે, ફરીયાદી તથા તેની પત્ની એકલા જ બંગલામાં રહે છે અને તેમના પુત્રો વિદેશમાં રહે છે. તેમજ ઘરમાં દાગીના તથા રોકડ રકમ હોવાનું જાણીને મિત્ર રવિ પાંડેને ત્યાં નોકરી અર્થે ફરીયાદીના ઘરે બોલાવતો હતો અને ત્રણ ચાર દિવસ નોકરી કર્યા બાદ તેમના મિત્રો વિજય ગુપ્તા તથા સંતોષ ગુપ્તાને ટીપ આપી હતી.
જે ટીપ આધારે ત્રણેય આરોપીઓએ ફરિયાદીના બંગલામાં ઘુસી વોચમેનનું ખૂન કરી નાખ્યું હતું અને બંગલામાં દંપતીને બાંધીને ઘરમાંથી દાગીના તથા હીરાજડિત દાગીના તથા અલગ અલગ દેશની વિદેશી કરન્સી તથા રોકડા રૂપિયા 2 લાખની લૂંટ કરી હતી
આ બનાવમાં તેના મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તા પકડાઈ જતા તેને પોલીસ શોધતી હોય પોતે સુરતથી નાસી જઈ મુંબઈ, ચેન્નઈ, બેલગામ,ઉતર કન્નડ જેવી અલગ અલગ જગ્યાએ ડ્રાઈવિંગ તથા મારબલમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોલીસમાં પકડાઈ જવાની બીકે પોતાનું રહેઠાણ બદલીને નાસ્તો ફરતો હતો.