Surat: સુરત શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા બેનરો સાથે પરવટ પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં 'રોડ-રસ્તા સુધારો, પ્રજાનો સમય બચાવો' લખેલા બેનરો અને સુરતના મેયર 'માવાણી ખાડાપુરો'ના સુત્રોચાર સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા અને હોદેદારો સાથે પદયાત્રા કરી રહ્યા છીએ. સુરત શહેરની અંદર રસ્તામાં ખાડા છે કે, ખાડામાં રસ્તા છે એજ ખબર પડતી નથી. આ ખાડા વાળા રસ્તાના કારણે અત્યંત ટ્રાફિક, અકસ્માતના બનાવો તેમજ પગના ઘુંટણના અને કમરના દુખાવા આ સુરત શહેરના લોકો ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો
વધુમાં જણાવ્યું હતું કે, સુરત પાલિકાની 10 હજાર કરોડથી પણ વધુનું બજેટ છે. જો કે આ બજેટ કોના ખિસ્સામાં જાય છે કે, સામાન્ય લોકોને સારો રોડ પણ આપી શકાતો નથી. આ શાસકોએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે. માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે જેના કારણે સામાન્ય લોકોને સારામાં સારી રોડ રસ્તાની સુવિધા આપવી જોઈએ એમાં પણ આ શાસકો નિષ્ફળ નીવડયા છે. જેથી આજે પદયાત્રા કાઢીને તેમને નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરીએ છીએ.