Surat News: સુરતના પુણા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. ઝોન-1 એલસીબી પોલીસની ટીમે રેડ કરી 315 કિલોગ્રામ ડુપ્લીકેટ પનીરનો જથ્થો ઝડપી પાડી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાંથી ડુપ્લીકેટ પનીરનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં ઝોન-1 એલસીબી પોલીસની ટીમે સુરત શહેરમાં પુણાગામ સીતાનગર ચોકડી પીર ફળિયાની સામે આવેલા ક્રિષ્ના નગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રેઇડ કરી હતી. પોલીસે પંકજ રમણીકભાઈ ભુતને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીંથી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે હાલ પુણા પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાનગર ચોકડીની સામે ક્રિષ્ના નગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં અમને બાતમી મળી હતી કે નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવે છે અને ત્યાંથી મોકલવામાં આવી રહ્યો છે.
એલસીબી ઝોન 1ની ટીમ અને હેલ્થ ડીપાર્ટમેન્ટની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પકડ્યો છે. હાલ પુણા પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરી છે અને રીપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવશે. આ કામગીરી પુણા પોલીસ અને ઝોન ૧ એલસીબીની ટીમે મળીને કરી છે.