Alpesh Kathiriya Latest News: સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન પાટીદાર નેતા અલ્પેસ્થ કથીરિયા અને ગણેશ આયોજકો વચ્ચે બબાલ થઇ હતી. આ ઘટનામાં ઓડિયો બાદ હવે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસે મામલો થાળે પાડવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો જો કે અલ્પેશ કથીરિયા અને ગણેશ આયોજકો વચ્ચે સમાધાન પણ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ સમગ્ર ઘટના શું હતી અને કેમ બની હતી તે બાબતે અલ્પેશ કથીરિયાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
અલ્પેશ કથીરિયાની આયોજકો સાથે બબાલ થઇ હતી
સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુદામા ગ્રુપ દ્વારા 'સુદામા કા રાજા' ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, દરમ્યાન અલ્પેશ કથીરિયાની આયોજકો સાથે બબાલ થઇ હતી. સ્ટેજ પર સ્થાન ના આપવાના મુદ્દે બબાલ થઇ હોવાની વાત હાલ સામે આવી રહી છે. મામલો ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે મામલો થાળે પાડવા બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ આ માથાકૂટનો ઓડિયો પણ વાયરલ થયો હતો. જો કે આખરે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
અલ્પેશ કથીરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું નો કોમેન્ટ
વધુમાં મળતી માહિતી મુજબ અગાઉ અલ્પેશ કથીરિયાને આરતી માટે આમંત્રણ અપાયું હતું અને તેમનું સન્માન પણ કરાયું હતું જો કે બીજા દિવસે પાટીદાર સમાજના અન્ય આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા તે સમયે અલ્પેશ કથીરિયા પણ ત્યાં હાજર હોય અને તેઓને સ્ટેજ પર સ્થાન નહી મળતા આ બબાલ થઇ હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટના શું હતી અને કેમ બની હતી તે બાબતે અલ્પેશ કથીરિયાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અલ્પેશ કથીરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું નો કોમેન્ટ.
સન્માનના મુદ્દે આ બંને પક્ષો વચ્ચે કઈ વાંધો પડ્યો હતો
એસીપી ડી.એસ. પટેલ જણાવ્યું હતું કે સુદામા કા રાજા ગણપતી પંડાલનું પાટીદાર સમાજના આગેવાનોને આયોજન કર્યું હતું, સામે પક્ષે અલ્પેશ કથીરિયાએ પાટીદાર કા રાજાનું પણ આયોજન કર્યું હતું, આ મોટા જેટલા પંડાલો હતા ત્યાં પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાને સુદામા કા રાજાના આયોજકોએ આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથીરિયા આ બનાવના બે દિવસ પહેલા અહિયાં આવ્યા હતા અને બનાવના દિવસે પણ આવ્યા હતા. પરંતુ સન્માનના મુદ્દે આ બંને પક્ષો વચ્ચે કઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છુટા હાથની મારામારી થઇ હતી.
પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી અને તે વચ્ચે પડી અને દરમ્યાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હતી એ દરમ્યાન સમાજના આગેવાનોએ આવીને વચ્ચે પડી અંદરોઅંદર બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને આ બાબતની ઉત્રાણ પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી છે. બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
સુદામા કા રાજાના આયોજક વિપુલ ભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મારે અને અલ્પેશ ભાઈ સાથે થોડું ઘર્ષણ થયું હતું, જે અંતર્ગત અમે પોલીસ સ્ટેશનમાં સમાજના આગેવાનો વચ્ચે સમાધાન કરી લીધું છે. આરતીમાં માન સન્માન નહીં જળવાયું એમાં અમારી કે એની ભૂલ હોય શકે તે અંતર્ગત થોડું ઘર્ષણ થયું હતું, પણ તે ઘર્ષણનો સુખદ અંત આવ્યો છે. 7 થી 8 સમાજના આગેવાનો પોલીસ મથકે આવ્યા હતા અને સમજાવ્યું હતું કે સમાજના જ સમાજના લોકો વચ્ચે ધાર્મિક કાર્યક્રમમાં વર્ગ વિગ્રહ ન થવો જોઈએ અને પોલીસ સ્ટેશન સુધી મેટર ન જવી જોઈએ જે અંતર્ગત અમે લોકોએ સમાધાન કર્યું છે. પોલીસ દૂર ઊભી હતી અને ઘર્ષણ થયું ત્યારે પોલીસ આવી હતી અને લાઠીચાર્જ કરીને બધાને દૂર પાડ્યા હતા. હવે બંને વચ્ચે પોલીસ મથકમાં જ સમાધાન થઈ ચૂક્યું છે અને બંને વચ્ચે મનદુઃખ જેવું કંઇ નથી.