Surat: સિવિલમાં દર્દીના સગાનો મહિલા સફાઈ કામદાર પર હુમલો, ચોથા વર્ગના કર્મચારીઓએ પોલીસ મથકે પહોંચી ધરણાની ચીમકી ઉચ્ચારી

મહિલાએ પોતું માર્યું હોવાથી, તેણે દર્દીના સગાને આ બાજુ ના આવવા અને ત્યાં જ ઉભા રહેવાનું કહ્યું હતુ. આમ છતાં તે ચાલીને આવ્યો અને મહિલા પર હાથ ઉપાડ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 12 Sep 2025 05:16 PM (IST)Updated: Fri 12 Sep 2025 05:17 PM (IST)
sura-news-patient-relative-attack-on-sanitation-worker-in-civil-hospital-602028
HIGHLIGHTS
  • સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ ગેરહાજર હોવાનો આક્ષેપ

Surat: સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. એક મહિલા સફાઈ કર્મચારીને દર્દીના સગાએ ગાળા ગાળી કરીને માર માર્યો હતો. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા પોલીસ ચોકી ખાતે પહોંચીને ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો હતો.

સુરતની સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી સાથે દૂરવ્યવહાર કરવામાં આવ્યો હતો. એક દર્દીના સગાએ મહિલા કર્મચારીને માર માર્યો હતો.

મહિલા કર્મચારીએ પોતું માર્યું હતું અને દર્દીના સગાએ ત્યાંથી ન ચાલવા ટકોર કરતા મામલો બિચકયો હતો. આ ઘટનાને લઈને આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ ચોકી ખાતે પહોંચીને ન્યાયની માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી પોલીસ ફરિયાદ ના નોંધે, ત્યાં સુધી ધરણાં પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.

ક્લ્પનાબેને જણાવ્યું હતું કે, હું પોતું મારી રહી હતી. આથી મેં તે ભાઈને કીધું હતું કે, આ બાજુ આવતા નહી, અહિયાં પોતું લગાવ્યું છે ત્યાં ઉભા રહો. આમ છતાં તે ચાલીને ગયો અને ફરીથી પાછો આવ્યો હતો. આથી મેં કહ્યુ કે, ભાઈ એક બાજુથી ચાલો અહિયાં પોતું લગાવ્યું છે તો મને ગાળો આપવા લાગ્યો હતો. મને હાથમાં પણ માર્યું છે અને લોહી પણ નીકળ્યું હતું. તે દર્દીનો સગો હતો અને સિક્યુરીટી ગાર્ડ પણ નહતો.