Bardoli: સુરત જિલ્લાના તેન ગામના શેરડીના ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં મહિલાની ઓળખ થઈ ગઈ છે. જ્યારે હત્યા પાછળ મૃત મહિલાનો પ્રેમી હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
હકીકતમાં તેન ગામના શેરડીના ખેતરમાં લોહીથી ખરડાયેલી એક મહિલાની લાશ મળી આવી હોવાની જાણ થતાં સુરત જિલ્લા પોલીસ વડા સહીત પોલીસની ટીમો ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ જ્યોતિ રાઠોડ તરીકે થઇ હતી. આથી પોલીસે પરિવારજનોનો સંપર્ક કરીને આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના પતિનું એકાદ વર્ષ પહેલા બીમારીમાં મૃત્યુ થઇ ચુક્યું છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી મૃતક જ્યોતિ તેની માતા સાથે રહેતી હતી અને સવારે રસોઈયાને ત્યાં કામે જતી હતી અને સાંજે બારડોલી રોડ ખાતે આવેલી હોટલમાં કામ પર જતી હતી.
બે દિવસ પહેલા ગુરુવારે રાતના સમયે જ્યોતિ ફોન પર વાત કરતાં-કરતાં ઘરેથી નીકળ્યા બાદ પાછી ફરી નહતી. બીજા દિવસે સવારે કુદરતી હાજત માટે ખેતર જતા લોકોને જ્યોતિની લાશ મળી આવતા તેમણે પોલીસને જાણ કરી હતી
પોલીસને ઘટના સ્થળેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. જે પૈકી એક મોબાઈલ જ્યોતિનો છે, જ્યારે બીજા મોબાઈલ ફોન અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બીજી તરફ જ્યોતિની માતા સોનકીબેને પોતાની દીકરીની હત્યા પાછળ તેના પ્રેમીનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, તેમની દીકરીને તેની સાથે હોટલમાં કામ કરતાં કોમલ ભીલ નામના રાજસ્થાની યુવક સાથે પ્રેમસબંધ હતો.