Surat: નવી સિવિલ હોસ્પિટલમાં 78 મું સફળ અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી ત્રણને નવજીવન મળ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 78 મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના દતનગર ખાતે રહેતા બાગલે પરિવારના બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 13 Sep 2025 02:51 PM (IST)Updated: Sat 13 Sep 2025 02:51 PM (IST)
78th-successful-organ-donation-performed-at-new-civil-hospital-in-surat-602516

Surat New Civil Hospital: મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના દતનગર ખાતે રહેતા 50 વર્ષીય શંકુતલા બેન કિશોરભાઇ બાગલેને ચક્કર આવવાથી પડી ગયા હતા, જેથી પરિવારજનો દ્વારા 108 મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં શંકુતલાબેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાના પાછળના ભાગે ગાંઠ હોવાથી હાલત ગંભીર જણાતા તારીખ 26 મી ઓગસ્ટે વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા.

બ્રેઇનડેડ થયું હતું

જ્યાં તબિયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ તારીખ 11મી સપ્ટેમ્બરે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બાગલે પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. પતિ કિશોરભાઇ આનંદભાઇ બાગલે અને પુત્ર ભરતભાઇ કિશોરભાઇ બાગલે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

સ્વ.શંકુતલાબેનના પુત્ર ભરતભાઇ બાગલેએ કહ્યું હતું કે, અંગદાન કરવાની પ્રેરણા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના લાગેલા અંગદાનના પોસ્ટર થકી તેમજ થોડા દિવસ પહેલા જ અંગદાન કરતાં એક પરિવારને જોયું હતું, જેથી વિચાર આવ્યો કે, અંગદાન કરવાથી બીજા અન્ય લોકોનું જીવન બચી શકે છે, જેથી માતા અંગોનું દાન કરતા અન્ય ત્રણ લોકોને નવજીવન મળશે.

ત્રણ અંગોનું દાન કરવામાં આવ્યુ

આજે બ્રેઈનડેડ સ્વ. શંકુતલાબેનના લીવર અને બે કિડની દાન કરાયું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૭૮મું અંગદાન થયું છે.