Sabarkantha News: રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ હજી પણ કોઝવે પરથી પાણી વહી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના હાથમતી કોઝવે પરથી એક મહિલા બાળકો સાથે પસાર થઇ રહી હતી. જોકે પાણીનું વહેણ વધારે હોવાથી મહિલા તણાઇ ગઇ હતી. એ સમયે સામે છેડે ઉભેલા લોકો દ્વારા બાળકોને પરત ફરી જવા કહેતા બાળકો સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને મહિલાની શોધખોળ આદરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, હિંમતનગરના હાથમતીના મહેતાપુરા કોઝવે પરથી એક મહિલા, બાળક અને એક વ્યક્તિ પસાર થઇ રહ્યા હતા. પાણીનું વહેણ હોવાથી મહિલાનો પગ લપસ્યો હતો અને મહિલા પ્રવાહમાં તણાવા લાગી હતી. એ સમયે મહિલા સાથે રહેલી વ્યક્તિ દ્વારા મહિલાનો હાથ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વહેણ વધુ હોવાથી મહિલા તણાઇ ગઇ હતી. એ સમયે સામે છેડે રહેલા લોકો દ્વારા એ વ્યક્તિ અને મહિલાને પરત ફરી જવા જણાવ્યું હતું.

લોકો દ્વારા કહેવામાં આવતા એ વ્યક્તિ અને બાળક પરત ફરી જતાં તેમનો બચાવ થયો હતો. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીના વહેણમાં તણાઇ ગયેલી મહિલાની શોધખોળ આદરી હતી. બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં પાણીના વહેણમાં તણતી મહિલા જોવા મળે છે.
