Rajkot: પોલીસે પીછો કરતા ભગાવેલી રિક્ષા ફૂટપાથ સાથે ધડાકાભેર ભટકાઈ પલટી, માસૂમ બાળકનું મોત

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 13 Sep 2025 04:26 PM (IST)Updated: Sat 13 Sep 2025 04:26 PM (IST)
rajkot-news-auto-rickshaw-turn-turtle-in-civil-hospital-compaound-3-years-old-boys-died-602590

Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક બેકાબુ રિક્ષા ફૂટપાથ સાથે ભટકાઈને પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર 3 વર્ષના માસૂમનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળક ઘાયલ થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અટલ સરોવર નજીક આવેલા પરશુરામ મંદિર નજીક રહેતા વીર ઉર્ફે કોકો રાધે પરમાર (3) અને ઈશાન ઉર્ફે હુતી રાધે પરમાર (2) રાતે 12 વાગ્યાની આસપાસ સાગર ધોળકિયાની રિક્ષામાં બેસીની જઈ રહ્યા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલના ગેઈટની અંદર રિક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

જે બાદ રિક્ષામાં સવાર બન્ને બાળકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર ઘાયલ વીર ઉર્ફે કોકોને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક વીર ઉર્ફે કોકો પરમારની માતા માલાબેન પરમાર (30)એ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી, ત્યારે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. માલાબેન પરમારને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માલાબેનના પતિ રાધેભાઈ પરમાર સાથે તેના પુત્ર વીર ઉર્ફે કોકો પરમાર
અને ઈશાન ઉર્ફે હુતી પરમાર હોસ્પિટલે આવ્યા હતાં, જ્યાં બન્ને બાળકો રડતાં હતાં.

આથી બન્ને બાળકોને છાના રાખવા માટે રાધે પરમારનો મિત્ર સાગર પ્રવિણભાઈ ધોળકીયા રિક્ષામાં બન્ને બાળકોને બેસાડી ચા લેવા અને ફેરવવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન પોલીસે પીછો કર્યો હતો. પોલીસની ગાડી જોઈને સાગર ધોળકીયાએ પોલીસથી બચવા પોતાની રિક્ષા પુરપાટ ઝડપે હંકારી ભાગ્યો હતો.

સાગર ધોળકીયા સિવિલ હોસ્પિટલનાં ગેઈટ અંદર પહોંચતાં જ ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા ફુટપાથ સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં વીર ઉર્ફે કોકોનું મોત નિપજ્યું હોવાનું અને તેના નાના ભાઈને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી રિક્ષા ચાલક પોલીસને જોઈને શા માટે ભાગ્યો ? કે પછી પોલીસે રીક્ષા ચાલકનું કયા કારણોસર પીછો કરતાં જીવલેણ અકસ્માતની ઘટના ઘટી તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.