Rajkot Crime News: પડધરીના ગીતાનગર વિસ્તારમાં નજીવી બાબતે નશાખોર પતિએ પત્નીની બેરહેમીથી હત્યા કરી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પતિને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ પણ જુગાર અને દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો.
પુત્રએ પિતા વિરુધ ફરિયાદ નોંધાવી
આ બનાવમાં પડધરી પોલીસ મથકમાં પડધરીના ગીતાનગરમાં રહેતા કનુબેન વલ્લભભાઈ વાઘેલાના પુત્ર રાજેશે તેના પિતા વલ્લભ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે ગીતાનગર વિસ્તારમાં તેની પત્ની સાથે અલગ રહે છે. નજીક જ માતા-પિતા પણ બીજા મકાનમાં રહે છે.
નશામાં પત્નીને મોતને ઘાટ ઉતારી
ગુરુવારના રાત્રીના 10 વાગ્યાની આસપાસ તેની નાની બહેન સોનલ દોડીને તેના ઘરે આવી અને કહ્યું કે, પિતા માતા કનુબેનને ઘરમાં બંધ કરીને માર મારી રહ્યા છે અને ઝઘડો કરી રહ્યા છે. આ સાંભળીને રાજેશ તરત જ દોડીને માતા-પિતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજો અંદરથી બંધ હોવાથી તેઓ પડોશીના મકાનમાંથી કૂદીને અંદર પ્રવેશ્યા હતો.
અંદર જઈને જોયું તો માતા કનુબેન લોહીલુહાણ હાલતમાં ઓસરીમાં પડેલા હતા. તેમના માથાના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું અને નજીકમાં જ લોહીવાળી લાકડી પણ પડેલી હતી. પાછળનો દરવાજો ખુલ્લો હતો અને પિતા ત્યાંથી ભાગી ગયા હતા. રાજેશે તરત જ તપાસ કરી પરંતુ તેઓને પિતા ક્યાંય દેખાયા નહીં.
સારવાર દરમિયાન મોત થયું
પરિવારે ઇજાગ્રસ્ત કનુબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સાંજના સાતેક વાગ્યે મહિલાએ દમ તોડી દીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પોલીસે તપાશ શરુ કરી
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસ મથકમાં જાણ કરતા પીઆઇ એસ.એન. પરમાર સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ફરાર આરોપી વલ્લભને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી વલ્લભને કિડનીની બીમારી હોય જેથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પત્નીએ રસોઈ ન બનાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.