પોરબંદર સ્થિત સાંદિપની વિદ્યાનિકેતનમાં 44મા શારદીય નવરાત્રિનું થશે અનુષ્ઠાન, વિનામૂલ્યે યોજાશે મેડિકલ કેમ્પ

પોરબંદર ખાતે આયોજિત 44મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ– 2025ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્પનું આયોજન થનાર છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 09 Sep 2025 04:41 PM (IST)Updated: Tue 09 Sep 2025 04:41 PM (IST)
the-44th-sharadiya-navratri-will-be-celebrated-at-sandipani-vidyaniketan-in-porbandar-a-free-medical-camp-will-be-organized-600206
HIGHLIGHTS
  • પોરબંદરની ધામેચા આઈ હોસ્પિટલ ખાતે તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બરના રોજ સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • સર્વે નિષ્ણાંત તબીબો આ કેમ્પમાં પોતાની માનદ સેવા પૂરી પાડશે.

Porbandar News: પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન છાયા- પોરબંદર ખાતે આયોજિત 44મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ– 2025ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્પનું આયોજન થનાર છે. જેની વિસ્તૃત વિગત નીચે મુજબ છે.

સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પ

પોરબંદરની ધામેચા આઈ હોસ્પિટલ ખાતે તારીખ 26, 27 અને 28 સપ્ટેમ્બરના રોજ સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના ઉત્કૃષ્ટ સેવા ભાવનાને વરેલા વિશ્વ વિખ્યાત આંખના નિષ્ણાંત સર્જન ડૉ.કુલીનભાઇ કોઠારી તથા ડો.આકાશ શાહ (ઓક્યુલોપ્લાસ્ટિ), ડો.ઉપલ ગાંધી (પીડીયાટ્રીક ઓફથેલોમોલોજીસ્ટ-બાળકોના આંખના નિષ્ણાંત), ડો. ભાવિક જૈન (રટાઈના સ્પેશિયાલિસ્ટ-આંખના પડદાના નિષ્ણાંત), ડો. નિખિલ અગ્રવાલ ( ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટ-જામરના નિષ્ણાંત), ડો. તન્વી ગણાત્રા (કેટ્રેક સ્પેશિયાલિસ્ટ-મોતિયાના નિષ્ણાંત), ડો. પ્રાપ્તિ માંકડ (ફેલો ઓફથેલમોલોજી) આ સર્વે નિષ્ણાંત તબીબો આ કેમ્પમાં પોતાની માનદ સેવા પૂરી પાડશે.

ત્રણ દિવસ યોજાનાર આ કેમ્પમાં તારીખ 26 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ બપોર પછી સાંજે 5થી 8માં દર્દીઓની તપાસ કરવામાં આવશે અને તારીખ 27મી અને 28મી સપ્ટેમ્બર શનિવાર અને રવિવારે જરૂરી ઓપરેશનો કરવામાં આવશે. આ કેમ્પ દરમિયાન ડાયાબિટીસ અને બ્લડપ્રેશરને લઈને આંખના પડદામાં થતો રટાઈનોપેથી અને ગ્લુકોમાં (જામર) ના દર્દીઓની લેઝર સર્જરી તેમજ ત્રાંસી આંખ (સ્ક્વિન્ટ) અને આંખની પાપણ ઢળી જવાના દર્દીઓની સર્જરી વિનામૂલ્યે સંપન્ન થશે.

આ કેમ્પની વિશિષ્ટતા એ છે કે પોરબંદરના તમામ દસ (10) ઓફથેલમિક (આઈ) સર્જન (આંખના નિષ્ણાંત) આ કેમ્પના પહેલા દર ગુરુવારે સાંજે 5થી 6 દરમ્યાન આ અંગેના દર્દીઓની પ્રાથમિક તપાસ (સ્ક્રીનીંગ ટેસ્ટ) કરી આ કેમ્પ માટે ખાસ તૈયાર કરેલ કાર્ડ વિનામૂલ્યે ભરી આપશે. જે ખરેખર અભિનંદનીય છે. જેઓના નામ નીચે મુજબ છે.

ડૉ.પુષ્પાબહેન દયલાણી, ડૉ. મનોજભાઈ જોશી, ડૉ નિમીષાબહેન મહેતા, ડૉ.કાનાભાઈ ગરેજા, ડૉ. પરબતભાઈ ઓડેદરા, ડૉ. નયનભાઈ જેઠવા, ડૉ. નિખીલભાઈ રૂપારેલીયા, ડૉ.યશસ્વિનીબહેન બદીયાણી, તથા ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ડૉ.વિભૂતિબહેન કોરિયા, સોમ, બુધ, શુક્ર સવારે 9થી 12નો સમાવેશ થાય છે. ડૉ જીગરભાઈ જોશી (ધામેચા હોસ્પિટલ) આ કેમ્પના સ્પોન્સર એટલે મનોરથી તરીકે રમણ વિશ્રામ જોગીયા અને અનસુયાબહેન વિશ્રામ જોગીયા (યુ.કે.) સેવા આપશે.

પલ્મોનોલોજી (ફેફસા અને શ્વાસના દર્દો)નો કેમ્પ

આ કેમ્પ તારીખ 27 સપ્ટેમ્બર શનિવારે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાશે. પલ્મોનોલોજી કેમ્પમાં સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ અને સેવાભાવી પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા (સિનરજી હોસ્પિટલ) રાજકોટ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે. આ કેમ્પ દરમિયાન પી.એફ.ટી (પલ્મોનરી ફંક્શન ટેસ્ટ), સી.ટી.સ્કેન વગેરે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેમ્પના સ્પોન્સર (મનોરથી) તરીકે શ્રીમાન બજરંગલાલજી તાપડીયા (પૂજ્ય દાદાજી) પરિવાર સેવા આપશે.

ફાટેલા હોઠ અને તાળવા તથા ચહેરાની તકલીફ અને નાક,કાન,જડબુ વાકું ચૂકું હોવું, ચહેરા પર લોહીની ગાંઠો ( ક્લેફ્ટ એન્ડ ક્રેનિયોફેશિયલ) કેમ્પ:

તારીખ 27 સપ્ટેમ્બર શનિવારના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી દોષી સ્માઈલ- ઈગા હેલ્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં અમદાવાદના ઓરલ અને મેક્ઝીલોફેશિયલ સર્જરીના નિષ્ણાંત ડો. રિષભ શાહ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે. આ કેમ્પ દરમિયાન નીચે પ્રમાણેના દર્દોના દર્દીઓને અમદાવાદ ખાતે ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ, જે.એસ. હોસ્પિટલ, સેટેલાઈટ ખાતે વિનામૂલ્યે સર્જરી માટે ફિક્સ તારીખ આપવામાં આવશે અને તે તમામની સર્જરી વિનામૂલ્યે સંપન્ન થશે.

જન્મજાત ખોડખાપણ- ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી, વાંકાચુકા દાંતની સારવાર, જન્મજાત ન હોય તેવા કાનની સારવાર, આંખની અને નાકની અમુક પ્રકારની જન્મજાત ખોટ ની સારવાર, ચહેરા પર લોહીની ગાંઠોની સર્જરી, જન્મથી મોઢું ખુલતું ન હોય તેની સર્જરી. સ્પીચ થેરાપી વગેરેની સર્જરી વિનામુલ્યે સંપન્ન થશે.

એન્ડોક્રાઇનોલોજી કેમ્પ (ખાસ કરીને- મોટાપા જાગૃતિ અને નિદાન કેમ્પ):-

તારીખ 27 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 9થી બપોરના 1 સુધી સાંદીપની વિદ્યાનિકેતન ખાતે યોજાયેલ આ કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત એન્ડોક્રાઇનોલોજીસ, ડો. બ્રિજ તેલી -જે ડાયાબિટીસના સુપર સ્પેશિયાલિસ્ટ છે. તે પોતાની માનદ સેવા પૂરી પાડશે. આજના સમયમાં મોટાપો માત્ર દેખાવની સમસ્યા નથી, પરંતુ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલનું અસંતુલન, ફેટી લીવર, ઊંઘના રોગો, હોર્મોન અસંતુલન, સંતાન પ્રાપ્તિની મુશ્કેલી અને કેટલાક પ્રકારના કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે મૂળભૂત જવાબદાર છે. આમ મોટાપો એ ખામોશ અને ઘાતક બીમારી બની ગયો છે. આ કેમ્પ દરમિયાન બી.એમ.આઈ., કમરના પરિઘનું મૂલ્યાંકન, મેટાબોલિક સ્ક્રિનિંગ અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. લાઈફ સ્ટાઈલ ચેન્જીસ- મુખ્યત્વે "આહાર" -ખોરાક "વિહાર"-શારીરિક પ્રવૃત્તિઓ અને "વિચાર" -ઊંઘ આ ત્રણ આધાર સ્તંભોને લાંબાગાળાના યથાર્થ પરિણામ માટે માર્ગદર્શન આપવામાં આવશે.

દંત યજ્ઞ (ડેન્ટલ કેમ્પ):-

તારીખ 22 સપ્ટેમ્બરથી તારીખ 1 ઓક્ટોબર સુધી પ્રતિદિન સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે 9થી બપોરે 1 સુધી લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટ, ગૌરીદડ, રાજકોટના "જાલંધર બંધ યોગ" પદ્ધતિના નિષ્ણાંત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી અને દંતવૈદ્ય શ્રીમતી સરોજ બહેન જોશી અને તેમની ટીમ દ્વારા આ કેમ્પ સંપન્ન થશે. આ કેમ્પ દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ટીચિંગ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ ને "જાલંધર બંધ યોગ" પદ્ધતિ વિશે ટ્રેનીંગ પૂરી પાડવામાં આવશે.

ઉપરોક્ત તમામ મેડીકલ કેમ્પસમાં લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ (બ્લડ-યુરીન), ઈ.સી.જી.(કાર્ડિયોગ્રામ), સોનોગ્રાફી, એક્સ-રે, પી.એફ.ટી., સી.ટી.સ્કેન વગેરે તમામ તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસની standard દવાઓનો કોર્સ પણ જરૂરી દર્દીઓને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. ભાઈની એ ખાસ સુચના હોય છે કે અત્યારની અત્યાધુનિક મેડિકલ સારવાર છેવાડાના અત્યંત જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્યે પહોંચવી જોઈએ અને તેમનું સ્વમાન જળવાવું જોઈએ. આ તમામ કેમ્પ દરમિયાન આ અંગે ખાસ તકેદારી રાખવામાં આવે છે.

પ્રથમ બે કેમ્પ સિવાયના તમામ કેમ્પના સ્પોન્સર (મનોરથી) તરીકે પ્રકાશભાઈ અને રંજનબહેન કનેરિયા (યુ.કે.) સેવા આપશે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ –2025 દરમ્યાન યોજાનાર ઉપરોક્ત તમામ કેમ્પના કૉ.ઓર્ડીનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી અને પૂર્વ સી.એમ.ઓ. તથા સાંદીપનિના ટ્રસ્ટી ડૉ.ભરતભાઈ ગઢવી સેવા આપશે. જેમના કોન્ટેક્ટ નંબર 9712222000 છે.