Porbandar News: પોરબંદરના ખીજદળ ગામે થોડા દિવસો પહેલા એક ગેંગ દ્વારા ચોરીની ઘટના બની હતી. આ મામલાને લઈને પોરબંદર પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે અને આરોપીઓને સબક શીખવાડ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને રાણાવાવ પોલીસે આ ધાળપાડુ ગેંગનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પોલીસની આ જોરદાર કામગીરીને લઈને ગામના લોકો ખુશ જોવા મળ્યા અને પોરબંદર પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ધાળપાડુ ગેંગને ઝડપી પાડી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ઘટનાસ્થળ, એટલે કે જે જગ્યાએ ચોરી થઈ હતી તે વાડીમાં લઈ જઈને આખી ઘટનાનું રેકન્સ્ટ્રક્શન (પુનર્ઘટના) કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસનો મોટો કાફલો, જેમાં પાંચથી વધુ પોલીસ ગાડીઓ અને 20થી વધુ પોલીસકર્મીઓ શામેલ હતા, આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા, ત્યારે હજારોની સંખ્યામાં ગામના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. નાના એવા ગામના તમામ લોકો પોલીસની આ કામગીરીથી અત્યંત ખુશ જોવા મળ્યા.
ગામ લોકોને જેવી ખબર પડી કે તેમના ગામમાં ચોરી કરનાર ચોરો અને લુટારાઓ પકડાઈ ગયા છે અને પોલીસ તેમને ગામમાં લઈ આવી છે, ત્યારે બધા જ લોકો પોતાનું કામ પડતું મૂકીને પોલીસની કામગીરીને બિરદાવવા અને ચોરોનું કારસ્થાન જોવા માટે ભેગા થયા હતા. આ ઘટના દર્શાવે છે કે પોલીસ ધારે તો મંદિરમાંથી ચોરાયેલું ચપ્પલ પણ શોધી શકે છે, આ વાતને પોરબંદર પોલીસે આજે સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે ચોરીના આવા બનાવોમાં આરોપીઓ પકડાય પણ નહીં પકડાય એવી વાતો સામે આવતી હોય છે. જો આ જ પ્રકારે પોલીસ કામગીરી કરશે અને નાના ગુનાઓમાં પણ આરોપીઓને પકડીને આ રીતે વરઘોડા કાઢશે, તો લોકોનો પોલીસ પર ભરોસો બેસશે અને તેઓ પોલીસને કોઈ પણ વાત કહેતા અચકાશે નહીં.