Porbandar News: પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજા અને તેમના સાથીદારો વિરુદ્ધ સાયબર ક્રાઈમ મામલે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હિરલબા જાડેજા અને તેમના સાગરીતોએ અન્ય લોકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની સાયબર ફ્રોડની રકમ મેળવી હતી.
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગત મે મહિનામાં હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનગેલા, મોહન વાજા, અજય ચૌહાણ, રાજુ મેર અને અન્ય કેટલાક લોકો સામે પૂર્વ આયોજિત કાવતરું રચી ગુનો નોંધ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓએ બેંક કર્મચારીઓને હિરલબા જાડેજાના ઘરે બોલાવી, તેમના માણસોના અને કેટલાક અજાણ્યા લોકોના નામે બોગસ બેંક ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલા કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આશરે 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી છે.
આ કેસમાં હિરલબા જાડેજા, હિતેશ ભીમાભાઈ ઓડેદરા, અજય ઉર્ફે ઘોઘો મનસુખભાઈ ચૌહાણ અને મુંબઈના સચિન કનકરાય મહેતાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાર્થ મહેન્દ્રભાઈ સોનગેલા, મોહન રણછોડભાઈ વાજા, રાજુ બાલુભાઈ પરમાર, નૈતિક પરેશભાઈ માવાણી અને દુબઈના બે શખ્સો હજુ ફરાર છે. આરોપીઓએ બોગસ પેઢીઓ ઊભી કરી હતી. જેમ કે ડાયનેમિક એન્ટરપ્રાઈઝ, ક્લોથેક્સ એન્ટરપ્રાઈઝ, એ એમ ઓ એન્ટરપ્રાઈઝ અને પાર્ટ વેર એમ વી એન્ટરપ્રાઈઝ. આ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટમાં આશરે 163 કરોડ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં કુલ 130 જેટલી સાયબર ફરિયાદો નોંધાઈ છે. આ રેકેટ જૂનાગઢ અને જામનગર સુધી પણ ફેલાયેલું હોવાનું ખુલ્યું છે.
