Patan News: ગત રાત્રે પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી અને તેને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા માટે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી અને તાત્કાલિક રાહત તથા પુનર્વસન માટેના પગલાં લેવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
નદી ઓવરફ્લો થવાથી ચેકડેમની મુલાકાત લીધી
મંત્રી બલવંતસિંહ રાજપૂતે તાત્કાલિક અસરથી તાલુકાના તાવડીયા ગામ ખાતે મોહિની નદી ઓવરફ્લો થવાથી ચેકડેમની મુલાકાત લીધી હતી. તેમજ ખડીયાસણ ગામ અને મેત્રાણા ગામ ખાતે ઉમરદશી નદી ઓવરફ્લો થવાથી ગામની મુલાકાત લીધી હતી. અને પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે સ્થળ પર હાજર રહેલા સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરીને બચાવ તથા રાહત કામગીરી માટે યોગ્ય પગલાં લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સ્થાનિક લોકોની સુરક્ષા અને સહાય માટે સમગ્ર ટીમ સાથે સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવી રહી છે.

અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ કરવા સૂચના
મંત્રીએ સિધ્ધપુર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારો, જ્યાં પાણી ભરાવાના કારણે જનજીવન પર અસરગ્રસત થયું છે તેને તાત્કાલિક મદદ મળી રહે તે માટે અધિકારીઓને સૂચન કર્યા હતા. તેમણે ખાસ કરીને ખેતીલાયક જમીનોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભા પાકને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર પાટણ જિલ્લાની જનતાની પડખે ઊભી છે અને તેમને દરેક સંભવ મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

પાટણ જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો
આજે બપોરે 4 વાગ્યા સુધીના આંકડા અનુસાર, પાટણમાં 3.4 ઇંચ, સિદ્ધપુરમાં 2.4 ઇંચ, સરસ્વતીમાં 2.3 ઇંચ, હારીજમાં 1.3 ઇંચ, રાધનપુરમાં 1.3 ઇંચ, સમીમાં 24 મિ.મી., ચાણસ્મામાં 14 મિ.મી., સાંતલપુરમાં 8 મિ.મી., શંખેશ્વરમાં 5 મિ.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે ગત 24 કલાકમાં સિદ્ધપુરમાં 5.2 ઇંચ, સાંતલપુરમાં 1.2 ઇંચ, રાધનપુરમાં 1 ઇંચ, પાટણમાં 24 મિ.મી., સરસ્વતીમાં 20 મિ.મી., ચાણસ્મામાં 14 મિ.મી., શંખેશ્વરમાં 12 મિ.મી., સમીમાં 7 મિ.મી., હારીજમાં 6 મિ.મી. વરસાદ વરસ્યો હતો.