Patan: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એક ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં તાલુકાના નળિયા ગામ નજીકથી પસાર થતી ખારી નદીમાં ન્હાવા પડેલા 9 યુવકો તણાઈ ગયા હતા. જે પૈકી એકનું મોત થયું છે, જ્યારે 3 યુવકો હજુ પણ લાપત્તા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોરના સમયે 9 જેટલા યુવકો નળિયા ગામ નજીકથી પસાર થતી ખારી નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ન્હાવા પડેલા તમામ યુવકો પાણીના વહેણ સાથે તણાવા લાગ્યા હતા.
આ દરમિયાન સ્થાનિકોએ પાંચ જેટલા યુવકોને સમયસર ખેંચીને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા. જેમને સારવાર અર્થે વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હતુ. જ્યારે ચાર યુવકો હજુ પણ લાપત્તા હોવાથી SDRF અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં તેમની શોધખોળ ચાલી રહી છે.
આવો જ બીજો એક બનાવ સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામમાંથી સામે આવ્યો છે. અહીં પણ ગામ નજીકથી પસાર થતી નદીમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા હતા. જે પૈકી સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવક લાપત્તા હોવાનું માલૂમ પડ્યું છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં ભારે વરસાદના પગલે પાટણ જિલ્લાની નદીઓ તોફાની બની છે. ગઈકાલે પણ સિદ્ધપુરની સરસ્વતી નદીમાં ડૂબવાથી બે લોકોના મોત નીપજ્યા હતા. જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા સાંતલપુર, રાધનપુર અને સિદ્ધપુરના લોકોને નદીના વહેણથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આમ છતાં આજે બે અલગ-અલગ દુર્ઘટનામાં 1 યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે પાંચ યુવકો પાણીમાં લાપત્તા થયા છે.