Palanpur News: બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 1 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 3 હજારથી વધુ લોકોને ભોજન પૂરુ પાડવામાં આવ્યું છે.
1 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરાઈ છે. આજરોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ 1.50 લાખ ફૂડ પેકેટ તથા 1 લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. વહીવટી તંત્રએ 1 લાખ પાણીની બોટલ તૈયાર કરીને વિતરણ કામગીરી ચાલી રહી છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે. વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો

3 હજારથી વધુ લોકોને ભોજન પૂરુ પડાયું
ગઇકાલે સાંજે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 3 હજાર જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું આજે પણ અંદાજે 3 હજારથી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી વિતરણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.
વરસાદનું જોર ઘટના સ્થિતિ સામાન્ય બની
આજરોજ સરહદી વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કલેકટરના નેજા હેઠળ વહીવટી તંત્ર વીજળી, પાણી, ફૂડ પેકેટ, તબીબી સેવાઓ, રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન થરાદ ખાતે 2 ઇંચ, વાવમાં1.6 ઇંચ જ્યારે ભાભરમાં 5.3 ઇંચ તથા સુઈગામમાં નિહવત જેવો વરસાદ નોંધાયો છે.

297 પૈકી 133 ગામડાઓમાં વીજપુરવઠો કાર્યરત કરાયો
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લા યુ.જી.વી.સી.એલ પાલનપુર સર્કલ હેઠળ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. આજે 9 સપ્ટેમ્બર 2025ના સવારના 10 વાગ્યા સુધી 297 અસરગ્રસ્ત વિસ્તાર પૈકી 133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. બાકીના 164 ગામડાઓમાં વીજ પુરવઠાને કાર્યરત કરવા કામગીરી ચાલી રહી છે.