Heavy Rain in Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા સાતેક દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

વીજપુરવઠો કાર્યરત કરાયો
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા UGVCL પાલનપુર સર્કલ હેઠળ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. આજે 13 સપ્ટેમ્બર 2025 સુધીમાં 197 અસરગ્રસ્ત વિસ્તારના ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. તેમજ પાણી નિકાલની કામગીરી પણ ચાલી રહી છે.
જાણો ઇજનેરે શું કહ્યું?
અધિક્ષક ઇજનેર શ્રી વી.બી.બોડાતે જણાવ્યું કે સરહદી વિસ્તારમાં ૨૯૭ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. ત્રણ ગામો કે જ્યાં પાણી ભરાયેલ છે ત્યાં સત્વરે કામ પૂર્ણ કરવામાં આવશે. નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કનેક્ટિવિટી ચાલુ કરી દેવાઈ છે. ૨૫ BOP ખાતે વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. ૩ BOP જે વોટર લોંગિંગ છે ત્યાં ઝડપથી વીજ પૂરવઠો શરૂ કરવામાં આવશે.

અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૧૮૬૩ વીજ પોલ તૂટી પડ્યા હતા. જેમાંથી ૬૦૦ જેટલા વીજ પોલ ઊભા કરી કરી દેવાયા છે. ૧૨૬૩ વીજ પોલ બાકી છે એમાં વોટર લોગીંગ સિવાયના વીજપોલ આજ સાંજ સુધીમાં ઊભા કરી દેવામાં આવશે.

આ કામગીરીમાં વિભાગની ૧૦૭ ટીમો (એક ટીમમાં પાંચ મેન પાવર) જેમાં ૫૩૫ માણસો અને કોન્ટ્રાકટરની ૩૫ ટીમો ( એક ટીમમાં ૧૨ મેન પાવર) જેમાં ૪૨૦ માણસો જોડાયેલા છે. પડકારજનક પરિસ્થિતિમાં જે.સી.બી, મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરવામાં આવ્યું છે.

આ પુનઃસ્થાપના કાર્યમાં જિલ્લા વહીવટીતંત્ર, વીજ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વચ્ચેના અસરકારક સહયોગને કારણે તાત્કાલિક સમયમાં કાર્ય પૂર્ણ થવામાં સફળતા મળી છે.
