Banaskantha Floods: થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી હતી. બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં 5થી 10 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ હતી. આ અતિવૃષ્ટિ અને પૂરને લીધે પાકને વ્યાપક નુકસાન થયું હતું, જમીન ધોવાણ થયું હતું, અનેક ઘરો ધરાશાયી થયા હતા તથા પશુધનને પણ ભારે નુકસાન થયું હતું. આ કુદરતી આફતને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે, તેમની આવકનો મુખ્ય સ્ત્રોત નષ્ટ થયો છે અને ઘરોમાં પાણી ભરાવાથી મકાનો તથા ઘરવખરીને પણ નુકસાન થયું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાવના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. તેમના પત્રમાં વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારોમાં પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી થવા અને પશુઓના મૃત્યુથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુલાબસિંહ રાજપૂતે પશુઓના પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં થતા વિલંબ અને રોગચાળાના ભય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તાત્કાલિક સર્વેક્ષણ કરીને પીડિતોને નાણાકીય વળતર, બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ, તેમજ રોગચાળાને ટાળવા માટે પશુઓના નિકાલ અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.
આ અગાઉ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. ગેનીબેન ઠાકોરે તેમના પત્રમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સતત અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા ગંભીર નુકસાન અને સામાન્ય જનજીવન પર પડેલા આર્થિક બોજ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને પાક તથા વળતર સહાય તાત્કાલિક ફાળવવા, ઘરોને થયેલ નુકસાનનું સર્વેક્ષણ કરીને અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવા અને જિલ્લા તથા તાલુકા સ્તરે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.