Banaskantha flood update: બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. અનેક ગામોમાં પાણી વરસાદના પાણી ફરીવળતા લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા. પરંતુ આ તરફ તંત્ર દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી કરતા લોકો સુધી જરૂરી વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે. બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100 થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરાશે. ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો કઈ કઈ છે તેની વિગતો મેળવાશે.

સાથે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી કરી તાત્કાલિક સહાય કેમ આપી શકાય તે અંગે કામ કરાશે. ઉપરાંત તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.