Narmada: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે પોલીસ જાપ્તા સાથે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા. ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ચૈતર વસાવા સામે મારામારી અને કાચના ગ્લાસથી જાનલેવા હુમલો કરવાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી મુજબ મુખ્ય આરોપી તરીકે ચૈતર વસાવાની હાજરી જરૂરી હોવાથી તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફરીથી તેમને વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. તેમની જામીન અરજી બે વખત રાજપીપળા સેશન્સ કોર્ટમાં રદ થઈ ચૂકી છે. પ્રથમ વખત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ ચાર્જશીટ ફાઇલ થતાં જ વકીલોએ અરજી પાછી ખેંચી રાજપીપળા સેશન કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે બન્ને વખત કોર્ટએ જામીન અરજી નકારી કાઢતાં વસાવાને જેલમાં જ રહેવું પડ્યું છે. તાજેતરમાં નર્મદા કોર્ટમાં પણ તેમની જામીન અરજી રદ થઈ છે.
હાલમાં કેસની નિયમિત સુનવણી રાજપીપળા સેશન કોર્ટમાં આગળ વધશે, જ્યારે વસાવા તરફથી હાઈકોર્ટમાં ફરીથી જામીન અરજી કરવામાં આવી છે. હવે હાઈકોર્ટમાં નવી તારીખ નક્કી થયા બાદ તેમની જામીન અરજી પર સુનવણી થશે. ધારાસભ્ય જેલમાં હોવાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.