Morbi News: મોરબીમાં ગરબા ક્લાસિસમાં ચાલતી ગેરરીતિઓ સામે પાટીદાર સમાજે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદો હતી કે, ઘણા ક્લાસિસમાં ગરબાના નામે બોલીવુડના ગીતો પર ડિસ્કો સ્ટેપ્સ શીખવવામાં આવે છે અને પુરુષ ટ્રેનરો દ્વારા દીકરીઓને અયોગ્ય સ્ટેપ્સ કરાવવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં લઈને પાટીદાર યુવા સંઘના કાર્યકરોએ આવા ક્લાસિસ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન કેટલાક વિવાદો પણ સર્જાયા હતા. આ વિવાદ બાદ પાટીદાર સમાજે પોતાની દીકરીઓને યોગ્ય અને પરંપરાગત ગરબા શીખવવા માટે જાતે જ ક્લાસિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ગત 8 ઑગસ્ટે પાટીદાર સમાજના અગ્રણીઓ અને ગરબા ક્લાસિસના સંચાલકો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજની બહેનોની સુરક્ષા અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કરવાનો છે. બેઠકમાં હાજર રહેલા મનોજ પનારાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નિયમનો ભંગ કરનારને પહેલા હાથ જોડીને સમજાવીશું, અને જો તેમ છતાં ન માને તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ બેઠકનું આયોજન ગત શનિવારે 2 ઑગસ્ટ યોજાયેલી 'જનક્રાંતિ સભા'ના પગલે કરવામાં આવ્યું હતું, જેમાં હજારો પાટીદારોએ ડિસ્કો દાંડિયા ક્લાસિસનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લીધો હતો. આ બેઠકનું મુખ્ય પરિણામ એ આવ્યું કે આવતીકાલથી આવા તમામ ડિસ્કો દાંડિયા ક્લાસિસ બંધ કરી દેવામાં આવશે અને તેના બદલે પરંપરાગત ગરબા ક્લાસ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય દ્વારા સમાજ પોતાની દીકરીઓને યોગ્ય સંસ્કાર સાથે ગરબા શીખવી શકશે.