Morbi: મોરબીના વજેપરમાં કરોડોની કિંમતી જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી પચાવી પાડવાના ચકચારી પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ બાદ હવે પત્રકાર અતુલ જોશીની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં મામલતદાર અને ડેપ્યુટી કલેકટર કચેરીમાં આર્થિક વ્યવહારો થયા છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવશે તેમ સીઆઇડીના અધિકારીઓએ જણાવ્યું છે.
મોરબીના વજેપરમાં સર્વે નંબર 602ની કરોડોની કિંમતી જમીન બોગસ દસ્તાવેજોના આધારે વારસાઈ નોંધ કરાવીને હડપ કરવાના મામલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો
આ કેસમાં અગાઉ સીઆઇડી ક્રાઇમે આરોપી ભરત દેગામા, હેતલ ભોરણીયા, શાંતાબેન મનજીભાઈ પરમાર અને સાગર નવઘણભાઈ સાવધારની ધરપકડ કરી હતી. જે બાદ આ સમગ્ર પ્રકરણના મુખ્ય સૂત્રધાર તરઘરીના સરપંચ સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડો બાદ હવે છઠ્ઠા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની અટકાયત કરવામાં આવી છે. તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે.
તપાસનીશ અધિકારી ડીવાયએસપી આર.એસ.પટેલે જણાવ્યું કે, આ પ્રકરણમાં વારસાઈ નોંધ પડાવવા સહિતની કામગીરીમાં મામલતદાર અને ડેપ્યુટી કલેકટર કચેરીના કોઈ અધિકારીઓ સાથે આર્થિક વ્યવહારો થયા છે કે કેમ, તે સહિતની તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.