Morbi News: મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસને લઈને નોંધાવેલા વિરોધને ભાજપ નેતા અને પાસ અગ્રણી અલ્પેશ કથીરિયાએ સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ વિષય માત્ર મોરબી કે એક સમાજ પૂરતો સીમિત નથી, પરંતુ તે ગુજરાતના તમામ સમાજને લાગુ પડે છે. અલ્પેશ કથીરિયાના મતે, ગરબા આપણી સંસ્કૃતિ અને ભારત-ગુજરાતની ઓળખ છે, પરંતુ ગરબા ક્લાસીસના નામે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનાથી યુવાનો અને યુવતીઓ ખોટા રસ્તે જઈ રહ્યા છે. આ મુદ્દે દરેક માતા-પિતાએ સાવચેત રહેવાની જરૂર છે અને તેમણે દરેક જગ્યાએ આ પ્રકારની સભાઓ થવી જોઈએ તેમ પણ કહ્યું છે.
મોરબીમાં પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારાએ ગરબા ક્લાસીસના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિરોધ ગરબા સામે નહીં, પરંતુ ગરબા ક્લાસીસના નામે ચાલતી પ્રવૃત્તિઓ સામે છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે આવી પ્રવૃત્તિઓથી ઘણા ઘરોમાં કંકાસ થાય છે અને સાંસારિક સમસ્યાઓ ઊભી થાય છે. તેમણે સૂચવ્યું કે ગરબા ક્લાસીસની સિસ્ટમમાં સુધારો થવો જોઈએ, જેમ કે મહિલાઓને મહિલા ટ્રેનિંગ આપે અને પુરુષોને પુરુષો ટ્રેનિંગ આપે. તેમણે ખાસ કરીને 18થી 25 વર્ષની ઉંમરના યુવા વર્ગમાં ભૂલો થવાનું માધ્યમ ગરબા ક્લાસીસ બની રહ્યા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે દરેક ગરબા ક્લાસીસ આવા નથી હોતા અને ઘણા ક્લાસીસ ખૂબ સારી રીતે તાલીમ આપે છે.
આ સમગ્ર મુદ્દો ગુજરાતની દરેક મહિલાઓ અને દીકરીઓ સાથે જોડાયેલો છે. મોરબીમાં પાટીદાર સમાજની બહેન-દીકરીઓ માટે કન્યા છાત્રાલયમાં ગરબાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને અલ્પેશ કથીરિયાએ આવકારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દીકરીઓને કાચની જેમ સાચવીને રાખવામાં આવે છે, અને તેમની સુરક્ષાના મુદ્દે ક્યારેય કોઈ બાંધછોડ ન હોઈ શકે. ગુજરાતનો કોઈ પણ સમાજ પોતાની દીકરીની સુરક્ષા કે ભવિષ્ય બાબતે ક્યારેય સમાધાન કે શંકા કરતો નથી. આથી દરેક સમાજે આ બાબતે જાગૃત થઈને મજબૂતાઈથી આગળ આવવું જોઈએ.