Morbi News: મોરબીના વાંકાનેરમાંથી ધોરણ 6માં અભ્યાસ કરતી એક બાળકી પ્રિષ્યા હર્ષદભાઈ બુદ્ધદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે આજના શિક્ષણ પ્રણાલી પર ભારપૂર્વક ચિંતા વ્યક્ત કરી છે. પ્રિષ્યાએ દેશભરની સ્કૂલોને હોમવર્કમુક્ત બનાવવામાં આવે અને દરેક શાળામાં લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે, જેથી વિદ્યાર્થીઓ પરનું વધારાનું ભારણ ઘટી શકે.
પ્રિષ્યાએ પત્રમાં પોતાની વ્યથા ઠાલવતા લખ્યું છે કે, ભારે સ્કૂલબેગ સાથેનું ભણતર, પછી ઘરે મળતું હોમવર્ક અને ટ્યુશનના કારણે બાળકોનું બાળપણ "મૂરઝાઈ રહ્યું છે". તેણે વડાપ્રધાન મોદીને પોતાના પિતાતુલ્ય ગણાવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે આ પત્ર તેમની પાસે પહોંચશે અને આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવશે.
છાત્રાએ પોતાના પત્રમાં લખેલા પત્રમાં માં જણાવ્યું છે કે, "તમે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા હોય ત્યારે હું તમારી દીકરી તરીકે તમને એટલું સૂચન આપવા માગું છું કે દેશની તમામ શાળાઓ ‘હોમવર્કમુક્ત' થવી જોઈએ. દફતર હળવું હોવું જોઈએ". આ પત્ર દ્વારા તેણે બાળકોના ભણતરના ભારણને હળવું કરવા અને તેમને બાળપણનો આનંદ માણવા દેવા માટે એક મહત્વપૂર્ણ સૂચન કર્યું છે.