Mehsana: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સગીરો સાવ નજીવી બાબતે ઉશ્કેરાઈને ના કરવાનું કરી બેસતા હોય, તેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગત મહિને અમદાવાદ ગત મહિને અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનું ખૂન કરી નાંખ્યું હોવાના બનાવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી હતી. એવામાં આવો જ વધુ એક બનાવ મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહેસાણા શહેરના તેજસ્વી સોસાયટીના ગેટ નજીક એક કિશોરે ઉશ્કેરાઈને બીજા કિશોરને છરી હુલાવી દીધી હતી. જેથી ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હાલ તો આ સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક કિશોર બીજા કિશોરને 'જાડિયો' કહીને અવારનવાર ચીડવતો હતો. આથી કંટાળીને સગીરે આમ ના કરવા સમજાવ્યો છતા બીજો કિશોર તેને ચીડવતો હતો. આથી કંટાળીને તેણે છરીથી હુમલો કર્યો હોવાનું માસૂમ પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સેવન્થ ડેની ચકચારી ઘટનાના થોડા દિવસો બાદ સાબરકાંઠાના વડાલીમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં સી.જે.હાઈસ્કૂલમાં ધોરણ-7માં ભણતા એક વિદ્યાર્થીને તેના જ ક્લાસમાં ભણતા ચારેક જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળીને બેરહેમીથી ફટકાર્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાના પણ જે-તે સમયે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.