Mehsana: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા આજે મહેસાણા જિલ્લાના કડીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધતાં ડૉ. તોગડિયાએ હિન્દુઓની ઘટતી જતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
15 વર્ષ બાદ કડીની મુલાકાતે આવેલા ડૉ. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે, 1984થી રામ મંદિર માટે શરૂ થયેલા આંદોલન અંતર્ગત લાખો હિન્દુઓને જાગ્રત કરવામાં આવ્યા હતા. રામ મંદિર 8 કરોડ હિન્દુઓના પરસેવાથી બનેલું છે. 1989માં 4 લાખ ગામોમાં ઈંટ પૂજન કરવામાં આવ્યું હતુ, જે રામ મંદિરના નિર્માણનો મજબૂત આધાર બની.
વધુમાં ડૉ. તોગડિયાએ હિન્દુઓના ભવિષ્ય માટે કેટલાક જરૂરી પગલા પર ભાર મૂકતા જણાવ્યું કે. હિન્દુઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ માટે કેટલાક કડક નિયમો લાવવા જોઈએ. આ સાથે તેમણે 'તીન બચ્ચે હિન્દુ સચ્ચે'નો નારો આપ્યો હતો.
દરેક હિન્દુઓએ દર શનિવારે હનુમાન ચાલિસાનો પાઠ કરવો જોઈએ. તેમજ દિવાળીના સમયે ગરીબોને કપડા આપવાની પ્રથા શરૂ કરવી જોઈએ. આટલું જ નહીં, હિન્દુઓના રોજગાર અને નોકરી માટે પણ હિન્દુઓને જ પ્રાથમિક્તા આપવી જોઈએ.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ 3 બાળકો પેદા કરવાનું સૂચન કર્યું હતુ
ગત ડિસેમ્બર મહિનામાં નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જે સમાજનો વસ્તી વૃદ્ધિ દર ઘટીને 2.1 ટકાની નીચે જતો રહે, તો તેને બરબાદ કરવા માટે કોઈની જરૂર નહીં પડે. તેમણે હિન્દુઓનું નામ લીધા વિના કહ્યું હતું કે, એક પરિવારમાં ઓછામાં ઓછા 3 બાળકો તો હોવા જ જોઈએ. જો કે ભાગવતના આ નિવેદનને કોંગ્રેસ, અસદ્દદ્દીન ઓવૈસી સહિતના નેતાઓએ વખોડ્યો હતો.