Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે દાઢી કરવાની ધારદાર બ્લેડ વડે પોતાના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ પુત્રએ પોતાના જ શરીર પર બ્લેડના કાપા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પિતાનું મોત નિપજ્યું છે. જ્યારે માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, લૂણાવાડાની જૂની પોસ્ટ ઑફિસની બાજુમાં હસમુખલાલ સુથાર તેમની પત્ની ચંદ્રિકાબેન અને પુત્ર બાલકૃષ્ણ સુથાર સાથે રહેતા હતા.
ગઈકાલે બાલકૃષ્ણએ દાઢી કરવાની ધારદાર બ્લેડ વડે માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હસમુખલાલ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. જ્યારે વચ્ચે બચાવવા પડેલા ચંદ્રિકાબેન પર પણ બ્લેડ વડે હુમલો કરતાં તેઓ પણ ગંભીર ઘાયલ થયા હતા.
બ્લેડ વડે ઘરમાં મોતનું તાંડવ ખેલ્યા બાદ બાલકૃષ્ણએ આવેશમાં આવીને પોતાના જ શરીર પર કાપા મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં લુણાવાડા ટાઉન પોલીસ, LCB અને SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ 108ની મદદથી ઈજાગ્રસ્ત માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હસમુખલાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા બાલકૃષ્ણએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લેણ-દેણનો ઉલ્લેખ છે. તેમજ ચંદ્રિકાબેનની તબિયતના કારણે પુત્ર માનસિક રીતે અસ્વસ્થ રહેતો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે, જ્યારે ચંદ્રિકાબેન સારવાર હેઠળ છે.