પરેશ ગોસ્વામીની આગાહીઃ રાજ્યમાં બે દિવસ થઈ શકે છે ધોધમાર વરસાદ, બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 08 Sep 2025 01:02 PM (IST)Updated: Mon 08 Sep 2025 01:02 PM (IST)
paresh-goswamis-forecast-heavy-rains-may-occur-in-the-state-for-two-days-active-system-in-the-bay-of-bengal-has-turned-into-a-depression-599469
HIGHLIGHTS
  • સિસ્ટમનો શિઅર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી તેને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે.
  • જેના કારણે સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત બની શકે છે.

Paresh Goswami Agahi | Gujarat Weather Update: રાજ્યમાં ગત શનિવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બાસકાંઠાના સૂઈગામમાં 6 ઈંચથી વધુ વરસાદ થયો હતો. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ છેલ્લા બે દિવસથી લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાંથી પસાર થઈને વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ છે. આ સિસ્ટમ હાલમાં 700 hPa લેવલ પર સક્રિય છે અને તેનું લોકેશન દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર નોંધાઈ રહ્યું છે. સિસ્ટમનો શિઅર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી તેને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે, જેના કારણે સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત બની શકે છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન – રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ વિસ્તારોમાં 5થી 10 ઇંચ અને છૂટાછવાયા વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે. કચ્છ જિલ્લામાં પણ આ વર્ષનો આ સૌથી ભારે રાઉન્ડ ગણાશે, જ્યાં 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને રાપર તાલુકામાં વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યાં 2થી 5 ઇંચ અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. કચ્છના માતાના મઠ, અબડાસા એટલે કે નલિયા, માંડવી, મુંદરા, કંડલા, ગાંધીધામ, નખત્રાણા અને ભચાઉ જેવા વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, મધ્ય ગુજરાતની વાત કરીએ તો, વિરમગામ, આણંદ, નડિયાદ, વડોદરા, કપડવંજ, ગાંધીનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. ગાંધીનગર જિલ્લામાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે, જ્યારે વડોદરા જિલ્લામાં પણ એક-બે સેન્ટરમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં 2થી 5 ઇંચ અને એક-બે સેન્ટરમાં 5 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલા મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે છતાં ત્યાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વરમાં નર્મદા, તાપી, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ અને બિલીમોરા જેવા વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, જેમાં મોરબી અને સુરેન્દ્રનગરમાં, જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ હતો, ત્યાં પણ 9 સપ્ટેમ્બર સુધીમાં ખૂબ સારો વરસાદ નોંધાય તેવી સંભાવના છે. રાજકોટ અને બોટાદમાં સામાન્યથી મધ્યમ 1થી 3 ઇંચ વરસાદ જોવા મળશે, જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં મધ્યમથી ભારે અને એક-બે સેન્ટરમાં અતિભારે 3થી 5 ઇંચ, એક-બે સેન્ટરમાં 5થી 10 ઇંચ વરસાદનું અનુમાન છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ મેઘ તાંડવની શક્યતાઓ રહેલી છે. 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન દ્વારકા, ખંભાળિયા, ઓખા, જામનગર, ધ્રોલ અને લાલપુર જેવા વિસ્તારોમાં લગભગ 10થી 12 ઇંચ અથવા તો 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે. એકંદરે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે, અમુક જગ્યાએ ઓછો તો અમુક જગ્યાએ વધારે, પરંતુ આ વરસાદ ચાલુ રહેશે. અતિભારે વરસાદ પડે ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે. જોકે, આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવું જરૂરી છે.

સપ્ટેમ્બરના આ વરસાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને અમુક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડતો હોય ત્યારે વીજળી પડવાના બનાવો પણ બની શકે છે, તેથી બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને લીલા ઝાડ નીચે કે વીજપોલ નીચે ઊભા ન રહેવું. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા મિત્રોએ સલામત સ્થળે ખસી જવું જોઈએ. અરબ સાગરમાં કરંટ હોવાથી માછીમાર ભાઈઓએ દરિયામાં ન જવું અને પ્રવાસી મિત્રોએ દરિયાકાંઠે ન જવું, કારણ કે ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. આ સાર્વત્રિક રાઉન્ડમાં લગભગ 80 થી 85% વિસ્તારમાં વરસાદ પડશે, છતાં પણ 10થી 15% વિસ્તાર હજુ આ રાઉન્ડમાં બાકી રહી શકે છે.