Junagadh: કોંગ્રેસે ગુજરાતમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જૂનાગઢના પ્રેરણાધામ આશ્રમમાં આજથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ શિબિરનો પ્રારંભ કરવા માટે જૂનાગઢ પહોંચ્યા છે. આ શિબિરમાં રાહુલ ગાંધી 12 અને 17 સપ્ટેમ્બરના રોજ હાજરી આપશે.
ગુજરાત પધારેલા ખડગેએ ભાજપના નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને તેના કારણે આજે દેશ એક છે. આ બંને અમારા માટે પૂજનીય છે. જો કે અહીંથી અન્ય બે લોકો છે, જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માગતા. ગાંધી અને સરદારે જે કામ કર્યું છે, એનો નાશ કરવા માગે છે."
વિસાવદરમાં AAPની જીત બાદ ગોપાલ ઇટાલિયા અને પ્રવિણ રામ જેવા નેતાઓ ખેડૂતો અને પાટીદારોના મુદ્દા ઉઠાવીને સૌરાષ્ટ્રમાં સતત સક્રિય જોવા મળી રહ્યા છે. કેજરીવાલે પણ ચોટીલામાં ખેડૂત મહાસભાનું આયોજન કર્યું હતું.
આ સ્થિતિમાં કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને સૌરાષ્ટ્રમાં લાવીને અહીંના પાટીદાર, ખેડૂત અને ગ્રામીણ મતદારોને ફરીથી પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને તેના ભાગરૂપે જ કાર્યકર્તાઓના અવાજ પર જિલ્લા પ્રમુખો નક્કી થયા છે.
આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવે તો તે માત્ર લોકોની સેવા માટે જ કામ કરશે, સત્તા પડાવી લેવા માટે નહીં. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, અતિવૃષ્ટિમાં કોંગ્રેસના શાસનમાં બનેલા રોડ ટક્યા હશે, પરંતુ ભાજપના શાસનમાં બનેલા રોડ ધોવાઈ ગયા હશે. કોંગ્રેસે બનાવેલા ડેમની કાકરી પણ હાલતી નથી અને ભાજપના સમયમાં બનેલી કેનાલો ધોવાઈ જાય છે અને બ્રિજ તૂટી જાય છે.