Junagadh: લેહમાં આવેલા બરફના તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહીદ જવાનનો પાર્થિવ દેહ આજે રાત્રિ સુધીમાં તેના વતન ચોરવાડ પહોંચશે. જે બાદ આવતીકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમયાત્રા યોજાશે.
માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોરવાડના રાકેશભાઈ દેવભાઈ ડાભી બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનાના મહાર યુનિટમાં જોડાયા હતા. તેઓ હાલ લેહમાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે બરફનું તોફાન આવ્યું અને સ્નો સ્લાઇડિંગ થવાને કારણે તેઓ અને અન્ય બે જવાન શહીદ થયા હતા.

રાકેશભાઈ ડાભીના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના પરિવાર અને સમગ્ર ચોરવાડ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. આવતીકાલે સવારે સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનને અંતિમ વિદાય આપવામાં આવશે.
