Pratap Dudhat: ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદાર ચહેરાને મૂકવામાં આવે તેવી માંગ સાથે કેટલાક પાટીદાર નેતાઓએ બેઠક કરી હતી. હાઇકમાન્ડનો સમય માંગવા છતાં તેમને પોતાની માંગ રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો ન હતો. તે પછી કોંગ્રેસે પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરી હતી.
જૂનાગઢ ખાતે બેઠક યોજાઇ હતી
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની નિમણુંક સર્વસ્વીકૃત હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ અંદરખાને બીજું કંઈક રંધાઈ રહ્યું છે, તેવું પણ જોવા મળી રહ્યું છે. હવે આ નારાજગી સામે આવી છે. લાઠીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દુધાત જૂનાગઢ ખાતે યોજાયેલી બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી વાત સામે આવી છે. દૂધાત હાલમાં અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પદ પર છે.
પ્રતાપ દૂધાત દેખાયા ન હતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ બેઠકમાં હાજર હોવા છતાં પ્રતાપ દૂધાત બેઠકમાં ન દેખાતાં તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિષ્ક્રિય રહેતા દૂધાતને અમરેલી કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરવાનો ઇશારો કરતાં કહ્યું કે, 10થી વધુ જિલ્લા પ્રમુખો નિષ્ક્રિય હોવાનું જણાયું છે તેથી તેમની બાબતમાં પક્ષ આકરો નિર્ણય લેશે.
પાટીદાર નેતામાં નારાજગી જોવા મળી
જે રીતે કોંગ્રેસની નેતાગીરી તેને હટાવવા માટે તત્પર થઇ ગઇ છે તે જોતા પાટીદાર લોબીની નારાજગીને એક મેસેજ આપવા માટેનો પ્રયાસ હોવાનું કોંગ્રેસના ટોચના સૂત્રોનું માનવું છે. કોંગ્રેસના સુત્રોનું કહેવું એવું છે કે, પ્રતાપ દૂધાતે વોટ ચોરી મુદ્દે દેખાવ કે સંગઠનના કાર્ય પણ કર્યા નથી.
પ્રતાપ દૂધાતે આ અંગે જણાવ્યું હતું કે, તેમના કાકાની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી. પરિવારમાં મારી મુખ્ય જવાબદારી છે એટલે પાર્ટી પછી પણ પરિવાર પહેલા તે ન્યાયે હું જૂનાગઢની તાલીમ શિબિરમાં જોડાઇ શક્યો ન હતો. પક્ષ મને કાઢી મૂકે તો પણ હું કોંગ્રેસનો મતદાર હંમેશા રહીશ.