Congress Training Camp: કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2027 ની તૈયારીઓનો શ્રી ગણેશ જૂનાગઢમાં થવા જઈ રહ્યો છે. આજથી શરૂ થનારી 10 દિવસની પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ભવનાથ તળેટી સ્થિત પ્રેરણાધામ ખાતે કરવામાં આવશે.
2027 ની ચૂંટણી પર રણનિતી ઘડશે
આ શિબિરનો હેતુ કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને 2027ની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવાનો છે. ગુજરાતમાંથી આ શિબિરની શરૂઆત થઈ રહી હોવાથી આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર બની રહેશે. જૂનાગઢમાં સતત 10 દિવસ સુધી કોંગ્રેસના મોટા ગજ્જાના નેતાઓ પણ આ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપે તેવી પૂરી શક્યતા છે. આ શિબિરમાં આવનારી ચૂંટણીમાં લોકો વચ્ચે અને લોકોની સાથે રહીને કઈ રીતે કામગીરી કરવી અને લોકો સુધી પાર્ટીની કાર્યશૈલી કઈ રીતે પહોંચાડવી સહિતની બાબતોની તાલીમ આપી કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવશે.

પ્રચારના પાઠ શિખવાડશે
શિબિરના અંતે મિશન 2027 નો રોડ મેપ જાહેર કરવામાં આવશે, જેમાં ચૂંટણી માટેની મુખ્ય વ્યૂહરચના અને લક્ષ્ય વિશે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવશે. આ શિબિર દ્વારા કોંગ્રેસ ગુજરાતમાં પોતાના કાર્યકરોને નવું જોમ અને દિશા આપવાનો પ્રયાસ કરશે. જૂનાગઢની આ શિબિર એક ઐતિહાસિક કાર્યક્રમ બનવાની શક્યતા છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓને તેજ કરશે.
અમિત ચાવડાએ શું કહ્યું
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, દેશમાં શિબિરની સૌથી પહેલી શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે. આ પ્રશિક્ષણ શિબિર સંગઠન સૃજન અભિયાનનો એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તૈયાર કરવાનો છે. આ શિબિરમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખ ભાગ લેશે, જેઓને ચૂંટણીલક્ષી વ્યૂહરચના, સંગઠનાત્મક માળખુંઅને પ્રચારની રીત અંગે તાલીમ આપવામાં આવશે.
જૂનાગઢમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ શિબિરમાં રાજ્યભરના કોંગ્રેસના આગેવાનોનો જમાવડો જોવા મળશે. આ શિબિર દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જેનાથી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય 2027 ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવાનો છે, જેને મિશન 2027 તરીકે નામ આપવામાં આવ્યું છે.