ઉત્તર ગુજરાત બની રહ્યું છે ભારતનું એગ્રો-ડેરી પાવરહાઉસ, VGRC ઉત્તર ગુજરાતમાં બટાકા, મસાલાઓ અને ડેરી મૂલ્ય શૃંખલામાં રોકાણની તકોને પ્રદર્શિત કરશે

ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે, જેમાં કૃષિ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 11 Sep 2025 04:19 PM (IST)Updated: Thu 11 Sep 2025 04:19 PM (IST)
north-gujarat-emerging-agro-dairy-hub-vgrc-highlights-investment-opportunities-601429
HIGHLIGHTS
  • આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનારો આયોજિત થશે અને નેટવર્કિંગ તકોને સમાવિષ્ટ કરવામાં આવશે.
  • ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે.

Gandhinagar News: ગુજરાત કૃષિ અર્થતંત્ર માટે એક સંકલિત સહકારી કેન્દ્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે, જેમાં કૃષિ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવશે.

આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનારો આયોજિત થશે અને નેટવર્કિંગ તકોને સમાવિષ્ટ કરવામાં આવશે. 9 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 'સોઇલ ટુ શેલ્ફ: ઇન્ટિગ્રેટિંગ સસ્ટેનેબિલિટી એન્ડ પ્રોફિટેબિલિટી એક્રોસ ધ વેલ્યુ ચેઇન' (બીજથી બજાર સુધી: મૂલ્યશૃંખલામાં ટકાઉપણા અને નફાકારકતાનું સંકલન) વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, વિભાગ દ્વારા 10 ઓક્ટોબર, 2025ના રોજ 'એગ્રી-ટેક ટુ એગ્રી-વેલ્થ: ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર થ્રુ ટેકનોલોજી' (કૃષિ ટેક્નોલોજીથી કૃષિ સંપત્તિ સુધી: ટેક્નોલોજી થકી કૃષિ પરિવર્તન) વિષય પર બીજો સેમિનાર આયોજિત કરવામાં આવશે, જે ખેતીના ભવિષ્યને આકાર આપતા આધુનિક ઇનોવેશન્સને ઉજાગર કરવામાં આવશે.

અરવલ્લી: બટાકા અને મસાલાનું ઉદ્યોગ કેન્દ્ર
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અંતર્ગત અરવલ્લી જિલ્લો ફ્રેન્ચ ફ્રાઇઝ અને ચિપ્સ જેવા બટાકા આધારિત ઉત્પાદનો માટે પસંદગીનો જિલ્લો છે, અને અહીંના સ્ટાર્ચ વગરના (ખાંડ મુક્ત) બટાકા સ્પર્ધાત્મક નિકાસને પ્રોત્સાહન આપે છે. વર્ષ 2024-25 દરમિયાન અરવલ્લીના બટાકા 12 દેશો (ઓમાન, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, મલેશિયા, કુવૈત, યુ.એ.ઈ., હોંગકોંગ, વિયેતનામ, બહેરીન, કતાર, અંગોલા અને શ્રીલંકા)માં નિકાસ કરવામાં આવ્યા છે. ઉપરાંત, આ જિલ્લો વરિયાળી, મેથી અને હળદરની ખેતી માટે પણ જાણીતો છે, જેના કારણે તે ઓર્ગેનિક મસાલાઓ અને પાવડર પ્રોસેસિંગ માટે પણ એક પ્રતિષ્ઠિત સ્થળ છે.

બનાસકાંઠા : બટાકા અને ડેરીનું હબ
બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો બટાકા ઉત્પાદક જિલ્લો છે, અને રાજ્યના કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં અગ્રણી છે. વર્ષ 2024-25માં 18.70 લાખ ટન બટાકાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જિલ્લો ફ્રોઝન અને ડિહાઈડ્રેટેડ બટાકાના ઉત્પાદનો માટે પણ એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. વધુમાં, બનાસકાંઠા જિલ્લો ઇસબગુલની વૈશ્વિક નિકાસમાં પણ અગ્રણી છે, જે 93% થી વધુ ઇસબગુલની નિકાસ કરે છે. આ રીતે, ઇસબગુલ ઉત્પાદનોમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં આ જિલ્લો મહત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર ગુજરાતમાંથી 88 દેશોમાં ઇસબગુલની નિકાસ થાય છે, જેમાંથી 79 દેશોમાં ઉત્તર ગુજરાતમાંથી ઇસબગુલની નિકાસ થાય છે. ડેરી ઉદ્યોગ પણ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જેને બનાસ ડેરી થકી પ્રોત્સાહન આપવામાં આવે છે. બનાસકાંઠામાં સ્થિત બનાસ ડેરી ભારતની સૌથી મોટી ડેરી છે, જેને 1600થી વધુ સહકારી મંડળીઓ અને 3 લાખથી વધુ ખેડૂતોનો સહકાર મળી રહ્યો છે.

કૃષિ, ફૂડ પ્રોસિસિંગ, ઉચ્ચ ગુણવત્તાવાળા મસાલા, ડેરીમાં મહેસાણાનો દબદબો
ઉત્તર ગુજરાત રોકાણ અને કૃષિ વિકાસ માટે નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. મહેસાણા શહેર હવે તેના ઐતિહાસિક મહત્વ માટે જ નહીં, પરંતુ કૃષિ અને ફૂડ પ્રોસિસિંગ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા, ડેરી અને મૂલ્યવર્ધિત કૃષિ માટે જાણીતું થઈ રહ્યું છે. પ્રખ્યાત ઊંઝા માર્કેટ યાર્ડ જીરું, વરિયાળી અને અન્ય ઓર્ગેનિક મસાલાના પ્રોસેસિંગ માટેનું વ્યૂહાત્મક સ્થળ છે. જ્યારે દૂધસાગર ડેરી મોટા પાયે દૂધ, ઘી, માખણ અને ચીઝનું ઉત્પાદન કરીને સ્થાનિક અને રાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી બનાવી રહી છે. તાજેતરના વર્ષોમાં એરંડા અને મગફળીના ઉત્પાદનમાં વધારો થવાથી ઓઇલ મિલ અને સંલગ્ન ઉદ્યોગો માટે નવી તકો ખુલી છે.

આ પ્રદેશના કૃષિ ઉત્પાદનોમાં ગાજર (પાટણ), વરિયાળી (ચાણસ્મા) અને જીરું (સમી, રાધનપુર અને સાંતલપુર)નો સમાવેશ થાય છે, જે પ્રોસેસિંગ ઉદ્યોગ માટે મજબૂત આધાર બનાવે છે. સરસવ, એરંડા અને મગફળી જેવા તેલીબિયાં પાકોનું વધતું ઉત્પાદન ઓઇલ મિલિંગ અને સંલગ્ન ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યું છે. મહેસાણા બટાકા અને ગાજર પ્રોસેસિંગમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

સાબરકાંઠા: એગ્રો અને ફૂડ પ્રોસેસિંગનું નવું કેન્દ્ર
બીજી તરફ, સાબરકાંઠા જિલ્લો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. તેની કૃષિ ક્ષમતા અને મજબૂત ડેરી નેટવર્ક આ પરિવર્તનને આગળ ધપાવી રહ્યું છે. સાબર ડેરી દરરોજ 33.53 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરી રહી છે, જ્યારે બટાટા અને ઓર્ગેનિક મસાલાની ખેતી આંતરરાષ્ટ્રીય નિકાસ માટે માર્ગો ખોલી રહી છે. નાબાર્ડના જણાવ્યા મુજબ, જિલ્લામાં 58 લાખ મેટ્રિક ટનથી વધુ સંગ્રહ ક્ષમતાની માંગ છે, જે રોકાણકારો માટે માળખાગત સુવિધાઓમાં રોકાણની વિશાળ તકો રજૂ કરે છે.

એકંદરે, ઉત્તર ગુજરાત કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં રોકાણ માટે ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. અહીંની કૃષિ-ઇકોસિસ્ટમ, આધુનિક માળખાગત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય બજારો સાથેનું જોડાણ રોકાણકારોને આકર્ષે છે.