Gujarat Lions Death: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 300થી વધારે સિંહના મોત(Lions Died) થયા છે, તેમ ગુજરાત રાજ્યના વન પ્રધાન મુળુભાઈ બેરા(Mulubhai Bera)એ વિધાનસભામાં માહિતી આપી છે. છેલ્લા બે વર્ષમાં 307 સિંહના મોત થયા છે, જે પૈકી 41 સિંહના મોત અપ્રાકૃતિક એટલે કે અકુદરતી કારણોને લીધે થયા છે.
બુધવારે પ્રશ્નકાળમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સિંહના આપ્રાકૃતિક મોતને અટકાવવા માટે આ બે વર્ષ દરમિયાન વિવિધ પ્રયાસો કર્યા છે અને આ માટે રૂપિયા 37.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વનમંત્રી મૂળુભાઈ બેરાએ ગૃહમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ 2023થી જુલાઈ 2024 દરમિયાન 141 સિંહોના મૃત્યુ થયા હતા, જ્યારે ઓગસ્ટ 2024થી જુલાઈ 2025 દરમિયાન 166 સિંહોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું હતું. આ 307 સિંહોમાંથી 41 સિંહોના મૃત્યુ અકુદરતી કારણોસર થયા હતા. તેમણે એમ પણ કહ્યું કે 20 સિંહો કુવામાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે 9 અન્ય જળાશયોમાં ડૂબી ગયા હતા.
આ પણ વાંચો
ગુજરાતના મંત્રીએ વધુમાં માહિતી આપી કે અન્ય કારણોમાં કુદરતી આપત્તિ (બે સિંહ), માર્ગ અકસ્માત (બે), ટ્રેન દ્વારા કચડી નાખવામાં (પાંચ) અને વીજળીનો કરંટ (ત્રણ)નો સમાવેશ થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સિંહોના અકુદરતી મૃત્યુને રોકવા માટે વિવિધ પગલાં લીધા છે, જેમ કે વિવિધ સ્થળોએ જંગલી પ્રાણીઓની સારવાર માટે કેન્દ્રો સ્થાપવા, પશુ ડોકટરોની નિમણૂક કરવી અને સિંહોની સમયસર સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવી.
આ સાથે, તેમણે કહ્યું કે સિંહોના મૃત્યુ અટકાવવા માટેના અન્ય પગલાંમાં 'સ્પીડ-બ્રેકર' બનાવવા અને અભયારણ્ય વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ પર સાઇનબોર્ડ લગાવવા, જંગલોમાં નિયમિત પેટ્રોલિંગ, જંગલોની નજીક ખુલ્લા કુવાઓ પાસે દિવાલો બનાવવી, ગીર વન્યજીવન અભયારણ્ય નજીક રેલવે ટ્રેકની બંને બાજુ વાડ કરવી અને એશિયાઈ સિંહોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે 'રેડિયો કોલર' લગાવવાનો સમાવેશ થાય છે.