Punjab Flood Relief: પંજાબમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને પૂરની સ્થિતિએ તબાહી મચાવી છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પૂરના કારણે અત્યંત ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે સહાય મોકલવાનો એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પૂરગ્રસ્તોને સહાય સામગ્રી મોકલશે, જેનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કરવામાં આવશે.
આ સહાય માત્ર પંજાબ જ નહીં, પરંતુ છત્તીસગઢ માટે પણ મોકલવામાં આવશે. આવતીકાલે સવારે 10 વાગ્યે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ટ્રેન રવાના થશે, જેમાં રાહત સામગ્રી ભરેલા 16 બોગી હશે. આ સામાન ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુખ્યમંત્રી લીલી ઝંડી આપીને રવાના કરશે. આ કીટમાં એક નાના કુટુંબ માટે ઘરવખરી સહિતની લગભગ ૩૨ પ્રકારની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે છત્તીસગઢ માટેની સામગ્રી ટ્રક દ્વારા કમલમથી રવાના થશે.
પંજાબમાં પૂરના પાણી લગભગ બધી જગ્યાએ ફરી વળ્યા છે, જેના કારણે લોકોની ઘરવખરીનો સામાન બગડી ગયો છે અને ઘણા લોકો ઘરવિહોણા બનીને બહાર રહેવા મજબૂર બન્યા છે. આવા સમયે ગુજરાત સરકારનો આ સૌથી મોટો નિર્ણય કુદરતી આફતમાં હેરાન થયેલા લોકોને થોડી મદદ પૂરી પાડશે. આ ઉપરાંત, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ જ્યાં અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ છે, ત્યાં પણ આવતીકાલે સવારે આદરણીય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પાલનપુરથી સહાય સામગ્રી રવાના કરશે. આમ, ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પંજાબ, છત્તીસગઢ અને બનાસકાંઠાના પૂરપીડિતોની મદદ માટે આગળ આવી છે.