Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે હોબાળો: ઇટાલિયા-અમૃતિયા વચ્ચે બોલાચાલી, ઉમેશ મકવાણાએ બિલ ફાડ્યું

સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ગૃહમાં તડાફડીના સમાચાર મળ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 11 Sep 2025 01:09 PM (IST)Updated: Thu 11 Sep 2025 01:09 PM (IST)
gujarat-assembly-monsoon-session-updates-gopal-italia-kanti-amrutiya-clash-umesh-makwana-tears-bill-601290
HIGHLIGHTS
  • વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચ દરમિયાન કાંતિ અમૃતિયા અકડાઈ ઉઠ્યા હતા.
  • ઇટાલિયાએ એ પણ સૂચન કર્યું કે જો સરકારને ઓવરટાઈમ આપવામાં રસ હોય, તો તે પોલીસને આપવો જોઈએ.

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ ભારે બોલાચાલી અને હોબાળા સાથે પૂર્ણ થયો છે. ગાંધીનગરથી પ્રાપ્ત થયેલા સમાચારો મુજબ, સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ગૃહમાં તડાફડીના સમાચાર મળ્યા છે, જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં એક બિલ ફાડી નાખીને ભારે ચર્ચા જગાવી હતી. ગોપાલ ઇટાલિયાએ સરકાર સામે વિવિધ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો.

વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચ દરમિયાન કાંતિ અમૃતિયા અકડાઈ ઉઠ્યા હતા. કાંતિ અમૃત્યાએ બહારથી કામ કરવા આવતા લોકો વિશે સવાલ કર્યો, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ગેરકાયદેસર રીતે બહાર જતા લોકો અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઇટાલિયાએ એ પણ સૂચન કર્યું કે જો સરકારને ઓવરટાઈમ આપવામાં રસ હોય, તો તે પોલીસને આપવો જોઈએ. આ બોલાચાલી કામના કલાકો અને બહારના કામદારોના મુદ્દે થઈ હતી. બીજી તરફ, ઉમેશ મકવાણાએ પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામત લાગુ કરવાની માંગણી સાથે એક બિલ ફાડી નાખ્યું હતું. અધ્યક્ષે તેમને બિલ ફાડવા બદલ ઠપકો આપ્યો હતો, જોકે તેમની રજૂઆતને યોગ્ય ગણાવી હતી. ઉમેશ મકવાણાએ ધારાસભ્યોએ 12 કલાક કામ કરવું જોઈએ તેવું પણ નિવેદન આપ્યું હતું. ભૂતકાળમાં પણ ઇટાલિયા અને અમૃતિયા રાજીનામાના દોરને લઈને ચર્ચામાં રહ્યા હતા, અને આજે ફરી એકવાર તેઓ ગૃહમાં આમને-સામને આવ્યા હતા.

વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા બે દિવસ શાંતિપૂર્ણ રહ્યા હતા, જેમાં થોડી હાસ્યસભર ચર્ચાઓ પણ થઈ હતી. પરંતુ ત્રીજા અને અંતિમ દિવસે માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો. ઉમેશ મકવાણાએ ઓબીસી વર્ગીકરણ અને પ્રાઇવેટ સેક્ટરમાં અનામતની માંગણી સાથે બિલ ફાડીને શરૂઆત કરી, જેના પર અધ્યક્ષે તેમને ઠપકો આપ્યો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધે ગૃહમાં ગરમાવો વધાર્યો. બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને તેમના પરસ્પર કટાક્ષ અને મુલાકાતોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.