Gopal Italia vs Kanti Amrutiya: તારીખ 5 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઓફિસથી બહાર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા વચ્ચે મુલાકાત થઇ હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ હતી. જેના કારણે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું હતું.

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયાની મુલાકાત
કાંતિ અમૃતિયાએ પોતાના સોશિયલ મીડિયા પર આ સમયની તસવીરો પોસ્ટ કરતા લખ્યું હતું કે, મેં ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોરબીમાં આપના કાર્યકર્તા દ્વારા નાગરીક ઉપર જે હુમલો કરવામાં આવ્યો તે અંગે પણ વાતચિત કરી હતી. વધુમાં કહ્યું કે, મારા 30 વર્ષના જાહેર જીવન દરમિયાન, દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી, યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે.
તેમજ વધુમાં કહ્યું કે, આ મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા વિનંતી કરી હતી. તેમજ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી છે.

યુઝર્સે કરી વિવિધ ટિપ્પણીઓ
કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયા સાથેની મુકાલાતની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર મૂકી છે. જેમા અનેક લોકોએ અજીબો ગરીબ કોમેન્ટ કરી છે. બન્ને પાટિદાર ધારાસભ્યો એકબીજાને મોરેમોરો જેવાં નાટકો કરીને વિધાનસભામાં ગપાટા મારો, લોકોને મુરખ બનાવવાનું બંધ કરો. એક યુઝરે લખ્યું છે કે બંને એક બીજા ને કહે છે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ આવુ તો ચાલ્યાં કરે. એક જગદીશ નામના યુઝર લખે છે કે એલા એ આપણે તો જો પાડોસી હારે જરાક માથાફૂટ થઈ હોય તો જિંદગી આખી એની સામુપણ નો જોવી પણ આતો મારાં બેટા કેવા હસીને વાતો કરતા ફોટા માં દેખાય છે.. એનો મતલબ સીધો એજ કે આપણી ગણતરી…….. માં થાય છે.
જૂનો વિવાદ શું હતો
ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયાના વિવાદે આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. આ વિવાદ બાદ ગઈકાલે પહેલીવાર બન્ને ધારસભ્યો ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા ગાંધીનગરમાં રૂબરૂ મળ્યા હતા. જુલાઈ મહિનામાં ચર્ચા જગાવનાર જૂના વિવાદ વિશે વાત કરીએ તો કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો. જેને સ્વીકારી ઇટાલિયાએ કાંતિ અમૃતિયા 12 જુલાઈ સુધીમાં રાજીનામું આપી બતાવે તેવી ચેલેન્જ ફેંકી હતી. આથી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે આવો ગાંધીનગર આપણે સાથે રાજીનામા આપીએ. આ પડકાર સ્વીકારીને 14 જુલાઈ 2025ના રોજ કાંતિ અમૃતિયા વિધાનસભા રાજીનામુ આપવા પહોંચ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયા ન આવતા તેઓ રાજીનામુ આપ્યા વગર પરત ગયા હતા.