Gujarat CM Bhupendra Patel: આજથી ચાર વર્ષ પહેલા જ્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. નવા મુખ્યમંત્રીની રેસમાં દૂર દૂર સુધી જેમનું નામ પણ સંભળાતું ન હતું એવા નેતાને ભાજપના હાઇકમાન્ડે પસંદ કર્યા ત્યારે તેમના નામથી ગુજરાતના જ લોકો ખાસ પરિચિત ન હતા.
દાદાની સરકારના ચાર વર્ષ પૂરા થયા
પરંતુ રાજ્યના મુખ્યમંત્રી બન્યાના ચાર વર્ષે અમદાવાદના ચંડોળા તળાવ, દ્વારકા અને સોમનાથમાં ગેરકાયદેસર દબાણો પરની સખત બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી અને 100 જેટલા ભ્રષ્ટાચારી બાબુઓ- કર્મચારીઓને દૂર કરવાની ઓપરેશન ગંગાજળની તેમની નીતિ તેમની ઓળખ બની છે.
મુદ્રુ સ્વભાવના સીએમ તરીકે નામના મેળવી
ભ્રષ્ટાચાર દૂર કરવા ઉપરાંત વહીવટી તંત્રને સક્ષમ બનાવવા તેમણે કેન્દ્ર સરકારના નીતિ આયોગની પેઠે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ઓફ ટ્રાન્સફોર્મેશન અને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે. 2047 માં આઝાદીનાં 100 વર્ષની પૂર્ણાહુતિ સમયે ગુજરાત ઊંચેરા સ્થાને હોય તે માટે તેમણે રોડમેપ તૈયાર કર્યો છે. આ માટે તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર પોલિસી, ઇલેક્ટ્રોનિક્સ પોલિસી, આઇટી અને સંબંધિત સેવાઓની પોલિસી અને ગ્રીન એનર્જી માટેની નીતિ બનાવી છે.
આ ઉપરાંત શહેરી સેવાઓના વિકાસ માટે ઝડપી નિર્ણય શક્તિ અને સમય લેતી કામગીરીનું સરળીકરણ કરવામાં આવ્યું. શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત સામાજિક સેવાઓ અને યાત્રાધામોના વિકાસનું કામ પણ તેમણે પાર પાડ્યું છે.
રાજ્ય સરકાર સામે હજુ પણ આ પડકારો
- રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ સરકાર માટે સૌથી મોટો પડકાર છે. ગુનાખોરીની ઘટનાઓ પર નિયંત્રણ ગુજરાતની શાંત રાજ્ય તરીકેની ઓળખ માટે જરૂરી છે.
- પોતાની સરકારમાં જ બેસતા બચુ ખાબડ સહિતના ઘણા મંત્રી ભ્રષ્ટાચાર સહિતના ઘણા વિવાદમાં સપડાયાં છે. સ્વચ્છ સરકારની છબી બનાવવા અહીં પણ સાફસૂફી જરૂરી છે.
- ભાજપના જ નેતાઓ સરકાર સામે બાંયો ચડાવીને ઊભા થઇ જાય છે. તેમના અસંતોષનું નિરાકરણ યોગ્ય પગલા લઇને લાવવું જરૂરી છે જેથી સાથીઓ જ વિરોધી ન બની જાય.
- રસ્તા-પુલ તુટવાથી માંડીને મોરબી પુલ, ટીઆરપી ગેમ ઝોન અને હરણી બોટ જેવી દુર્ઘટના થતી અટકાવવા માટે સરકારી તંત્ર પર મજબૂત લગામ લગાવવી જરૂરી છે.
ગુજરાતના અત્યાર સુધીના પાટીદાર મુખ્યમંત્રીઓ પૈકી સળંગ સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી પદે રહેવામાં ભૂપેન્દ્ર પટેલ 1,461 દિવસ સાથે મોખરે છે. તે પછી ચીમનભાઇ પટેલ 1,446 દિવસ, કેશુભાઇ પટેલ 1,312 દિવસ, આનંદીબેન પટેલ 808 દિવસ જ્યારે બાબુભાઇ જશુભાઇ પટેલ મહત્તમ 268 દિવસ સુધી સળંગ મુખ્યમંત્રી પદે રહ્યા હતા.